Business

કામરેજ તાલુકાનું ખૂબ જ નાનું અને હિન્દુ લોકોની વસતી ધરાવતું સમૃદ્ધ ગામ

સુરત શહેરથી 20 કિલોમીટર અને તાલુકા મથકથી 10 કિલોમીટરના અંતરે આવેલું કોસમાડી ગામ ખૂબ જ નાનું અને હિન્દુ લોકોની વસતી ધરાવતું સમૃદ્ધ ગામ તરીકે ઓળખાય છે. જે સુરત જિલ્લામાંથી પસાર થતાં ને.હા.48થી બે કિમીના અંતરે કોસમાડી પાટિયાથી સેવણી જતાં રોડ પર આવેલું પહેલું ગામ છે. ગામની કુલ વસતી 2011ના વસતી ગણતરીના આંકડા મુજબ જોવા જઈએ તો માત્ર 1082 જ છે, જેમાં પણ પુરુષોની 547, જ્યારે મહિલાઓની 535ની સંખ્યા ધરાવે છે. કુલ 225 કુટુંબ હળી મળીને રહે છે. ગામના લોકો મુખ્યત્વે ખેતી, પશુપાલન તેમજ નોકરી-ધંધા સાથે સંકળાયેલા છે.

રઘુવીરધામ આશ્રમ લોકોની આસ્થાનું કેન્દ્ર છે


કોસમાડી ગામની હદમાં રોડની બાજુમાં રઘુવીરધામ આશ્રમ પણ આવેલો છે. જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. જે આશ્રમ બે વીઘા જમીનમાં આવેલો છે. જે આશ્રમ માટે જમીન ગામના જ દાતા સ્વ.લલ્લુભાઈ ભુલાભાઈ પટેલે આપી હતી. એ જમીન આપનાર દાનવીર સ્વ.લલ્લુભાઈ વર્ષ-1986માં કુંભના મેળામાં હરિદ્વાર ખાતે ગયા હતા. ત્યાં મહંત કનુભાઈ રાજગુરુની રામકથા ત્યાં કથા સાભળવા જતાં અને ગંગામાં રોજ સ્નાન પણ કરવા જતાં હતાં. એ વેળા ગંગાજી દ્વારા કઈ દાન કરો એવો એમને આભાસ દરરોજ થતો હતો. તે સમયે ત્યાં કનુભાઈ રાજગુરુ સાથે મુલાકાત થઈ અને પોતાની સાથે થતી આપવીતી જણાવી હતી. કનુભાઈને સ્વ.લલ્લુભાઈએ જણાવ્યું કે જો આશ્રમ બનાવવો હોઈ તો મારા ગામ જગ્યા છે ત્યાં આશ્રમ બનાવો તેમ કહીને હરિદ્રારમાં આશ્રમ માટે ભૂમિ દાન કર્યું હતું. વર્ષ-1988માં રામકથા થઈ હતી. 111 કુંડી રામયાગ કરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રાથમિક શાળાની સામે આવેલા બળિયા બાપજી મંદિરનો જીર્ણોધ્ધાર પણ કરવામાં આવ્યો હતો. આશ્રમ પર છેલ્લાં 34 વર્ષથી પૂનમના દિવસે 111 લાડુનો ભોગ હનુમાનજીને ધરાવવામાં આવે છે. જે બાદમાં પ્રસાદરૂપે ભાવિક ભક્તોને ભોજન સાથે આપવામાં આવે છે. આ પરંપરાને 35 વર્ષ પૂર્ણ થશે ત્યારે તૃતીયા કલપોત્સવ ઉજવવામાં આવશે.આ અગાઉ પ્રથમ અને દ્રિતિય કલપોત્સવમાં 111 કુંડી હનુમાન ત્યાગ યજ્ઞ બાદ મહાપ્રસાદીનો ભંડારો કરવામાં આવ્યો હતો. કનુભાઈ રાજગુરુનું 2025માં અવસાન થયું હતું. હાલ આશ્રમ યુવા મહંત હરિવંશ રાજગુરુ સનાતન પ્રચારક કથા વાંચક સંચાલન કરી રહ્યા છે. સાથે ગામ લોકો તેમજ સ્વ.લલ્લુભાઈ પટેલના પરિવારજનો અવિરત સેવાની ધુણી ધખાવી રાખી છે. આશ્રમમાં એક ગૌશાળા પણ આવેલી છે. આ આશ્રમનું ઉદઘાટન મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત જગદગુરુ શંકરાચાર્ય, જગદગુરુ રામાનંદાચાર્ય સહિત અનેક સંતો મહતોએ આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં આવેલા મંદિરમાં રામ પરિવાર, રાધાકૃષ્ણ, હનુમાનજી, અંબે માતા, ઉમિયા માતા, વેદ માતા, ગાયત્રી માતા તેમજ ગણપતિ બિરાજમાન છે.

ગામમાં આવેલી પ્રાથમિક શાળા 100 વર્ષ કરતાં વધારે જૂની

ગામમાં એક ધો.1થી 5ની પ્રાથમિક શાળા પણ આવેલી છે, જેમાં તમામ 101 આદિવાસી વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરે છે અને વધુ અભ્યાસ માટે બાજુના ગામ મોરથાણા ખાતે જવું પડે છે. શાળા ગાયકવાડ સ્ટેટના સમયે વર્ષ-1907માં બનેલી છે. જેના હજી પણ ત્રણ ઓરડા હાલમાં વર્ષો જૂના હયાત છે. શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આચાર્ય તરીકે યાસિનભાઈ અમીરભાઈ મુલતાની તેમજ તેમની સાથે અન્ય ત્રણ શિક્ષકો ગંગાબેન ડાહ્યાભાઈ હળપતિ, જયેશકુમાર રધુભાઈ પટેલ, ઉર્વસિબેન કાંતીભાઈ પટેલ ફરજ બજાવે છે. શાળાના આચાર્ય તેમજ શિક્ષકોના અર્થાગ પ્રયત્નોથી શાળા ડી ગ્રેડમાંથી એ ગ્રેડમાં લાવવામાં આવી હતી. ગામના દાતાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, સ્કૂલ ડ્રેસ, રેઈનકોટ, બુટ સહિતની સામગ્રી પુરી પાડવામાં આવે છે.તેમજ શાળાના આર્ચાય યાસિન મુલતાની વર્ષ-2017માં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક (રાજયપાલ એવોર્ડ)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગામમાં માત્ર એક બસ આવે છે
કોસમાડી ગામ નેશનલ હાઈવે નંબર 48થી બે કિલોમીટરના અંતરે આવેલું ગામ છે. પરંતુ અહિ માત્ર એક જ બસ આવે છે. બાકી ગામના લોકોને અવર જવર માટે ખાનગી વાહનો કે પોતાના વાહનો લઈને કામ અર્થે કે નોકરી ધંધા માટે ઉપયોગ કરવો પડે છે. મહત્તમ ગામ કામરેજ ચાર રસ્તા સાથે જોડાયેલું ગામ છે. ગામના પાદર પર બનાવવામાં આવેલું બસ સ્ટેન્ડ પણ જર્જરિત હાલતમાં હોવાથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
ચૌધરી-આંજણા પાટીદારો કેવી રીતે વસ્યા?


ગામમાં રહેતા ચૌધરી-આંજણા પાટીદારો વર્ષો અગાઉ ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા. જે-તે સમયે વડોદરા જિલ્લામાં આવતાં ગામો પણ હાલમાં વડોદરા અને ભરૂચ જિલ્લાનાં ગામો જેવા કે રાજપારડી, પીપોદરા, પુરા, ઝનોર સહિતનાં ગામોમાં વસવાટ કર્યો બાદમાં ત્યાંથી આગળ વધીને સુરત જિલ્લાના કામરેજના લસકાણા, વાવ, કોસમાડી, સીમાડી, મોરથાણા અને પલસાણા તાલુકાના તાતી ઝઘડા, લીંગડ, ભાટિયા, ભરથાણ, ગોલાસણમાં વસવાટ કરીને આગળ નવસારી જિલ્લાના વેજલપુર, દાંતેજ વગેરે ગામોમાં સ્થાળંતર તરીકને પોતાનો વસવાટ કર્યો હતો. જેમાંનુ એક ગામ કામરેજ તાલુકાના કોસમાડી ગામ છે. આ ગામ ભૂતકાળમાં સીસોદ્રા માંથી કોસમાડી ગામ બન્યું હોઈ એવી લોકવાયકા પણ છે. આ ગામના ચૌધરી-આંજણા પાટીદારોની વાત કરીએ તો 30 પરિવારો જે હાલ ગામમાં રહે છે અને બીજા 30 પરિવારો નવાગાળા જે નેશનલ હાઈવે નંબર 48થી કોસમાડી ગામ તરફ આવતા રોડની બાજુમાં ગામ પહેલા રહે છે. કોસમાડી ગામ જે જગ્યા પર હાલ છે એના આશરે એક કિલોમીટર દૂર જ્યાં હાલ આસપાસ ખેતરો આવેલાં છે ત્યાં વર્ષો જૂનું મહાકાળી માતાનું મંદિર અને એની બાજુમાં એક કૂવો આવેલો છે જે હાલ પુરાઈ ગયો છે ત્યાં આવેલું હતું. ત્યાંથી ગામ લોકો સ્થાળતંર કરી હાલ જે જગ્યાએ ગામ લોકો રહે છે ત્યાં આવી ગયાની પણ લોક વાયકા છે. ત્યારે ગામનું નામ સીસોદ્રા હતું એવું પણ કહેવાય છે. પરંતુ આની કોઈ અધિકૃત માહિતી મળતી નથી.
ગામનાં વિવિધ ફળિયાં
ગામ એકદમ નાનું હોવાથી ગામમાં પટેલ ફળિયું, માહ્યાવંશી ફળિયું, ટાંકી ફળિયું, કોલોની ફળિયું આવેલું છે.

અંબા માતાનું મંદિર ગામ લોકોમાં આસ્થાનું કેન્દ્ર
ગામની વચ્ચે જ આવેલું અંબા માતાનું મંદિર ગામ લોકો આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે અંબા માતાની માનતા ભાવિક ભક્તો રાખે છે તેની માતા માનતા અવશ્ય પૂર્ણ કરે છે.એવા અનેક દાખલા છે.

ગામની વસતી વિષયક માહિતી
ગામની વસતી ચૌધરી આંજણા પાટીદાર, એસ.સી., એસ.ટી. સમાજ, અનાવિલ બ્રાહ્મણ, મોદી સમાજ મળી હિન્દુ સમાજના લોકો હળમળીને એકબીજાથી ખભે ખભા મિલાવીને સુખાકારી ભાઈચારા સાથે રહે છે. બીજી તરફ કોસમાડી ગામ નાનું હોવા છતાં પણ ગામના લોકો વિદેશમાં અમેરિકા, કેનેડા, લંડન, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં વસવાટ કરે છે.

કોસમાડી ગ્રામ પંચાયતની ટીમ
સરપંચ-વસુબેન હિતેશભાઈ વસાવા

  • ડે.સરપંચ-ઉર્વિશકુમાર રમેશચંદ્ર પટેલ
  • સભ્ય-રાકેશભાઈ ભગુભાઈ કંથારિયા
  • ગુણવંતભાઈ બાલુભાઈ વસાવા
  • નયનાબેન અશ્વિનભાઈ રાઠોડ
  • વર્ષાબેન સુનીલભાઈ પટેલ
  • મેધનાબેન હિમાંશુભાઈ પટેલ
  • રાકેશભાઈ અરવિંદભાઈ વસાવા
  • મનીષાબેન રાજુભાઈ રાઠોડ
  • તલાટી કમ મંત્રી-શૈલેષભાઈ વસોનિયા
    પીવાના પાણી માટે બે ટાંકી બનાવાઈ છે
    ગામમાં પીવાના પાણી માટે બે ટાંકી બનાવવામાં આવી છે. જે અંદાજે 50,000 લાખ લીટરની આવેલી છે. જેના દ્વારા આખા ગામને પીવાનું પાણી ગ્રામ પંચાયત દ્વારા પૂરું પાડવામાં આવે છે.

Most Popular

To Top