Sports

અમેરિકાની ધમાકેદાર જીત, ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવી 96 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ફિફા વર્લ્ડ કપ 2026માં અમેરિકાની ફૂટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરીને નોકઆઉટ સ્ટેજમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. 20 જૂને સિયાટલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવીને ‘રાઉન્ડ ઓફ 32’માં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે અમેરિકા ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં પહોંચનારો બીજો દેશ બન્યો છે. આ પહેલાં મેક્સિકોએ પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત અમેરિકાની ટીમ માટે માત્ર નોકઆઉટમાં પહોંચવાની સિદ્ધિ જ નથી, પરંતુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ પણ છે. અમેરિકાએ 96 વર્ષ બાદ વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત બે મેચ જીતવાનો કારનામો કર્યો છે. વર્ષ 1929 પછી પહેલીવાર અમેરિકાએ વિશ્વ કપમાં સતત બે જીત મેળવીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. મેચની શરૂઆતથી જ અમેરિકાએ આક્રમક રમત બતાવી હતી. ખેલાડીઓએ બોલ પર નિયંત્રણ રાખીને ઓસ્ટ્રેલિયાની ટીમ પર સતત દબાણ બનાવ્યું હતું. આ દબાણનું પરિણામ માત્ર 11મી મિનિટે જોવા મળ્યું, જ્યારે અમેરિકાએ પ્રથમ ગોલ નોંધાવ્યો.

અમેરિકાના સ્ટાર ફોરવર્ડ ફોલારિન બાલોગુન પેનલ્ટી એરિયામાં ઘૂસીને ગોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને રોકવાના પ્રયાસમાં ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર કેમરન બર્ગેસે ભૂલ કરી હતી અને બોલ પોતાના જ ગોલપોસ્ટમાં મોકલી દીધો હતો. આ સેલ્ફ-ગોલને કારણે અમેરિકાને શરૂઆતમાં જ 1-0ની મહત્વની લીડ મળી ગઈ હતી. શરૂઆતમાં ગોલ ખાધા બાદ ઓસ્ટ્રેલિયાએ મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. ટીમે કેટલાક સારા હુમલા પણ કર્યા, પરંતુ અમેરિકાના મજબૂત ડિફેન્સ સામે તેઓ સફળ થઈ શક્યા નહોતા. અમેરિકન ખેલાડીઓએ રક્ષણાત્મક વિભાગમાં શાનદાર સંકલન બતાવ્યું અને ઓસ્ટ્રેલિયાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા.

ફર્સ્ટ હાફ પૂરો થવાની થોડા સમય પહેલાં અમેરિકાએ પોતાની લીડ બમણી કરી હતી. 43મી મિનિટે સર્જિનો ડેસ્ટે એક શક્તિશાળી શોટ ફટકાર્યો હતો. આ બોલ ગોલ તરફ જઈ રહ્યો હતો ત્યારે એલેક્સ ફ્રીમેને હેડર મારતા તેને ગોલમાં ફેરવી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ આ ગોલ સામે VARની માંગ કરી હતી, પરંતુ રેફરીએ ગોલ માન્ય રાખ્યો હતો. પરિણામે પ્રથમ હાફના અંતે અમેરિકાની ટીમ 2-0થી આગળ હતી. સેકન્ડ હાફમાં ઓસ્ટ્રેલિયા માટે વાપસી કરવી ખૂબ જ જરૂરી હતી. ટીમે સતત હુમલાઓ કર્યા, પરંતુ અમેરિકાના ડિફેન્ડર્સ અને ગોલકીપરે એક પણ તકનો ફાયદો ઉઠાવવા દીધો નહોતો. બંને ટીમો તરફથી બીજા હાફમાં કોઈ ગોલ નોંધાયો નહોતો અને અંતે અમેરિકા 2-0થી મેચ જીતવામાં સફળ રહ્યું હતું.

આ પહેલાં અમેરિકા પોતાની પ્રથમ મેચમાં પરાગ્વેને 4-1થી હરાવી ચૂક્યું હતું. હવે સતત બે જીત સાથે અમેરિકાના ખાતામાં 6 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ ગ્રુપ Dમાં ટોચના સ્થાને છે. જોકે, ગ્રુપમાં પ્રથમ સ્થાન જાળવી રાખવા માટે અમેરિકાને હજુ એક મહત્વપૂર્ણ પડકારનો સામનો કરવો પડશે. ટીમ તેની છેલ્લી લીગ મેચ 26 જૂને તુર્કિયે સામે રમશે. આ મુકાબલામાં અમેરિકા ઓછામાં ઓછી ડ્રો કરે તો પણ ગ્રુપમાં ટોચનું સ્થાન જાળવી શકશે. જો તુર્કિયે પરાગ્વે સામે હારી જાય તો પણ અમેરિકાની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. હાલ માટે અમેરિકન ચાહકો માટે ખુશીની વાત એ છે કે તેમની ટીમે માત્ર નોકઆઉટમાં સ્થાન જ મેળવ્યું નથી, પરંતુ લાંબા સમય પછી વિશ્વ કપમાં સતત જીત મેળવીને પોતાની તાકાતનો પરિચય પણ આપ્યો છે. હવે નજર 26 જૂનની નિર્ણાયક મેચ પર રહેશે, જ્યાં અમેરિકા ગ્રુપ ચેમ્પિયન તરીકે આગળ વધવાનો પ્રયાસ કરશે.

Most Popular

To Top