India

દિલ્હી મેટ્રોમાં ચૂંટણી દરમિયાન નહીં દેખાય રાજકીય જાહેરાતો: દિલ્હી હાઈકોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો

મોડલ કોડ ઓફ કન્ડક્ટ દરમિયાન રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ યથાવત, હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો; નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે નિર્ણય જરૂરી હોવાનું નિરીક્ષણ

ચૂંટણી દરમિયાન દિલ્હી મેટ્રો સ્ટેશનો અને મેટ્રો ટ્રેનોમાં રાજકીય જાહેરાતો પ્રદર્શિત કરવા પર લાગેલો પ્રતિબંધ યથાવત રહેશે. દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચ (ECI) દ્વારા લાદવામાં આવેલા આ પ્રતિબંધને સંપૂર્ણપણે યોગ્ય અને બંધારણીય ગણાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી દરમિયાન મેટ્રો પરિસરમાં રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો હેતુ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવાનો છે અને આ નિર્ણય કોઈપણ રીતે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરતો નથી.

આ મહત્વપૂર્ણ ચુકાદો જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ડિવિઝન બેન્ચે આપ્યો હતો. કોર્ટે જાહેરાત એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ ફગાવી દીધી હતી, જેમાં મોડલ કોડ ઓફ કન્ડક્ટ (MCC) દરમિયાન રાજકીય જાહેરાતો પરના પ્રતિબંધને પડકારવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા મેટ્રો સ્ટેશનો, ટ્રેનો અને અન્ય માળખાઓ પર જાહેરાતો મૂકવા માટે ખાનગી જાહેરાત એજન્સીઓને લાંબા ગાળાના કરારો આપવામાં આવ્યા હતા. આ એજન્સીઓ વ્યાપારી જાહેરાતો ઉપરાંત રાજકીય જાહેરાતો પણ પ્રદર્શિત કરતી હતી.વર્ષ 2019માં ચૂંટણી પંચે DMRCને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવે ત્યારે મેટ્રો પરિસરમાં કોઈપણ પ્રકારની રાજકીય જાહેરાત પ્રદર્શિત ન કરવામાં આવે. જો પહેલાથી કોઈ રાજકીય જાહેરાત લગાવવામાં આવી હોય તો MCC લાગુ થતાં જ તેને તાત્કાલિક દૂર કરવામાં આવે. ત્યારબાદ આ શરત જાહેરાત કરારોમાં સામેલ કરવામાં આવી હતી.જો કે આ નિર્ણય સામે કેટલીક જાહેરાત કંપનીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમનો દાવો હતો કે આ પ્રતિબંધ ભેદભાવપૂર્ણ છે અને તેમના વેપાર તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અસર કરે છે.

હાઈકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ પ્રતિબંધ સંપૂર્ણ પ્રતિબંધ નથી. જાહેરાત કંપનીઓ હજુ પણ મેટ્રોમાં અન્ય તમામ પ્રકારની બિન-રાજકીય જાહેરાતો પ્રદર્શિત કરી શકે છે. માત્ર ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકીય જાહેરાતો પર મર્યાદા મૂકવામાં આવી છે.કોર્ટે નોંધ્યું કે આ પ્રતિબંધ માત્ર મર્યાદિત સમય માટે છે અને તે જાહેર હિતમાં છે. તેથી તેને વેપારની સ્વતંત્રતા અથવા અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અયોગ્ય પ્રતિબંધ ગણાવી શકાય નહીં.

ચુકાદામાં કોર્ટે કહ્યું કે:
“માત્ર રાજકીય જાહેરાતો પર મર્યાદિત સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરાતનો વ્યવસાય સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી.”કોર્ટના મતે આ પ્રકારની મર્યાદા ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જાળવવા માટે જરૂરી છે.

મેટ્રો અને બસ સ્ટોપ વચ્ચેનો તફાવત
અરજદારોનો મુખ્ય દાવો હતો કે બસ ક્યુ શેલ્ટર અને અન્ય જાહેર સ્થળોએ રાજકીય જાહેરાતો દેખાડવાની મંજૂરી આપવામાં આવે છે, જ્યારે મેટ્રોમાં પ્રતિબંધ કેમ?આ મુદ્દે હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું. કોર્ટે કહ્યું કે બસ સ્ટોપ અને મેટ્રો સ્ટેશનોની પ્રકૃતિ અલગ છે. મેટ્રો સ્ટેશનો અને ટ્રેનોને સામાન્ય લોકો સરકાર સાથે સીધી રીતે જોડે છે. આવી સ્થિતિમાં જો રાજકીય જાહેરાતો ત્યાં પ્રદર્શિત થાય તો લોકોમાં એવી છાપ ઊભી થઈ શકે કે સરકાર કોઈ ચોક્કસ રાજકીય પક્ષ સાથે સંકળાયેલી છે.મહત્વ નું છે કે કોર્ટના મતે મેટ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની ઓળખ સાથે નજીકથી જોડાયેલું હોવાથી તેની અલગ શ્રેણી બનાવવી યોગ્ય છે. તેથી બસ સ્ટોપ અને મેટ્રોની સરખામણી કરી શકાય નહીં.

ચૂંટણી પંચની સત્તા માન્ય
હાઈકોર્ટે ચૂંટણી પંચની સત્તાને પણ માન્યતા આપી હતી. કોર્ટે જણાવ્યું કે ભારતીય બંધારણના આર્ટિકલ 324 હેઠળ ચૂંટણી પંચને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે જરૂરી માર્ગદર્શિકા અને નિર્દેશો જારી કરવાની સત્તા પ્રાપ્ત છે.ચૂંટણી પંચે દલીલ કરી હતી કે આ પ્રતિબંધનો હેતુ તમામ રાજકીય પક્ષો માટે સમાન તક અને લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવાનો છે. કોર્ટે આ દલીલને યોગ્ય ગણાવી હતી.કોર્ટના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આવા નિર્દેશોને કાનૂની માન્યતા મળે છે અને સરકારી સંસ્થાઓ માટે તેનું પાલન કરવું ફરજિયાત છે.

વ્યાપારી હિત કરતાં જાહેર હિત વધુ મહત્વનું
હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે જાહેરાત એજન્સીઓનો હિત મુખ્યત્વે વ્યાપારી છે, જ્યારે ચૂંટણી પંચનો હેતુ લોકશાહી પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવાનો છે.કોર્ટે જણાવ્યું કે થોડા સમય માટે થતી વ્યાપારી અસરને આધારે ચૂંટણીની નિષ્પક્ષતા સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. જાહેર હિત અને લોકશાહી પ્રક્રિયા હંમેશા વ્યાપારી હિત કરતાં વધુ મહત્વપૂર્ણ છે.

રાજકીય પક્ષો માટે શું અર્થ?
આ ચુકાદા બાદ હવે દિલ્હીમાં જ્યારે પણ મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ થશે ત્યારે કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર મેટ્રો સ્ટેશનો, મેટ્રો ટ્રેનો અથવા DMRCના નિયંત્રણ હેઠળના જાહેરાત સ્થળો પર પોતાની જાહેરાતો મૂકી શકશે નહીં.આ નિયમ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે સમાન રીતે લાગુ પડશે. મેટ્રોમાં માત્ર બિન-રાજકીય અને વ્યાપારી જાહેરાતો જ ચાલુ રાખી શકાશે

લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવતો નિર્ણય
રાજકીય વિશ્લેષકોના મતે દિલ્હી હાઈકોર્ટનો આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવે છે. સરકારી માળખાઓ અને જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે ન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ લોકશાહી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણી દરમિયાન મેટ્રો જેવી સરકારી ઓળખ ધરાવતી જગ્યાઓ પર રાજકીય પ્રચારને મંજૂરી આપવામાં આવશે નહીં અને ચૂંટણી પંચના આદેશોને કોર્ટનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે.

Most Popular

To Top