સુરત સહિત સમગ્ર દેશમાં આજે NEET-UG 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં કુલ 10,301 ઉમેદવારો ડૉક્ટર બનવાના સપનાને સાકાર કરવા માટે પરીક્ષામાં ભાગ લીધો છે. પરીક્ષાના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં 22 પરીક્ષા કેન્દ્રો તેમજ 22 રૂટ નક્કી કરવામાં આવ્યા છે.પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં સવારે 11:00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવશે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે 1:30 વાગ્યા બાદ કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં, તેથી તમામ વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની અપીલ કરવામાં આવી છે.
આ વર્ષે NEET-UG 2026નું પ્રશ્નપત્ર કુલ 180 પ્રશ્નો અને 720 ગુણનું રહેશે. જેમાં ભૌતિકશાસ્ત્રના 45 પ્રશ્નો (180 ગુણ),રસાયણશાસ્ત્રના 45 પ્રશ્નો (180 ગુણ) અને જીવવિજ્ઞાનના 90 પ્રશ્નો (360 ગુણ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.દરેક સાચા જવાબ માટે 4 ગુણ આપવામાં આવશે, જ્યારે દરેક ખોટા જવાબ બદલ 1 ગુણની નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે.
પરીક્ષા દરમિયાન પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા, ચેકિંગ અને દેખરેખની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.હજારો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ તેમના ભવિષ્યને નવી દિશા આપનારો સાબિત થઈ શકે છે. હવે સૌની નજર પરીક્ષાના સફળ આયોજન અને વિદ્યાર્થીઓના પ્રદર્શન પર રહેશે.