નશામાં ધૂત હોવાનો આક્ષેપ, સમજાવવા આવેલા લોકો સાથે પણ ઉશ્કેરાયો,પોલીસે માંડ મામલો થાળે પાડ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.25
વડોદરાના મુજમહુડા સર્કલ પાસે આજે બાઈક અને કાર વચ્ચેના નજીવા અકસ્માત બાદ બાઈક સવારે કરેલા હાઈ વોલ્ટેજ ડ્રામાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાઈક સવારે કારના કાચ તોડી નાખી કારચાલક સાથે ગાળાગાળી અને મારામારી કરતાં રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
વડોદરાના મુજમહુડા સર્કલ પાસે બાઈક અને ફોરવીલર કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બાઈક સવાર અચાનક ઉશ્કેરાઈ ગયો અને કારના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ કાર ચાલક સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી શરૂ કરી દીધી હતી. ઝઘડો જોઈને સમજાવવા આવેલા સ્થાનિક લોકો સાથે પણ બાઈક સવાર ઉશ્કેરાઈ ગયો અને તેમની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. સ્થાનિકોએ બાઈક સવાર નશામાં ધૂત હોવાનો આક્ષેપ કર્યો છે. તેની વર્તણૂક પરથી તે અત્યંત નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. રસ્તા વચ્ચે જ હંગામો અને મારામારી થતાં મુજમહુડા સર્કલ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમતે ઉશ્કેરાયેલા બાઈક સવારને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. હાલ પોલીસે બંને પક્ષોની પૂછપરછ હાથ ધરી છે અને બાઈક સવાર નશામાં હતો કે કેમ તેની તપાસ માટે મેડિકલ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. નજીવા અકસ્માત બાદ સર્જાયેલા આ હંગામાથી વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે મામલો થાળે પાડી આગળની કાર્યવાહી હાથધરી હતી.