દંતેશ્વરમાં યુવક પર જીવલેણ હુમલો કરી રોકડા રૂપિયા અને એક્ટિવા લૂંટી હુમલાખોરો ફરાર
વડોદરા, તા.25
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ તેની પાસે રહેલા આશરે રૂ.20 હજાર રોકડા અને એક્ટિવા સ્કૂટર લૂંટી ફરાર થઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, દંતેશ્વર વિસ્તારમાં બંસલ મોલ સામે આવેલ દર્શનમ રેસીડેન્સી નજીક કેટલાક યુવકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ મુદ્દે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આરોપી શખ્સોએ એક યુવકને ઘેરી લઈ તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
હુમલા બાદ આરોપીઓ યુવક પાસેથી આશરે રૂ.19 થી 20 હજાર જેટલી રોકડ રકમ તેમજ તેની એક્ટિવા લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે તેમજ હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.