કચ્છના લોકો માટે મોટી ખુશખબર સામે આવી છે. અદાણી મુન્દ્રા એરપોર્ટે સ્ટાર એર સાથે ભાગીદારી કરીને પોતાની પ્રથમ વ્યાવસાયિક ફ્લાઈટ સેવાઓ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નવી હવાઈ સેવાઓના કારણે હવે કચ્છથી દેશના અનેક મહત્વપૂર્ણ શહેરોમાં પહોંચવું વધુ સરળ અને ઝડપી બનશે. સ્ટાર એર દ્વારા શરૂ કરાયેલી નવી સેવાઓ હેઠળ મુન્દ્રા એરપોર્ટને કુલ 8 શહેરો સાથે સીધી એર કનેક્ટિવિટી મળશે. તેમાં મુંબઈ, ગોવા, હિંડન (ગાઝિયાબાદ), સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડનો સમાવેશ થાય છે. આ સેવાઓ શરૂ થતાં કચ્છના મુસાફરોને લાંબા રસ્તાની મુસાફરીમાંથી રાહત મળશે અને સમયની પણ મોટી બચત થશે. મુન્દ્રા એરપોર્ટ માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ વેપાર, ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને પ્રવાસન ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. દેશના સૌથી મોટા ખાનગી બંદર મુન્દ્રા પોર્ટ સાથે સીધી એર કનેક્ટિવિટી મળતાં વ્યાપારિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે. ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે દેશના વિવિધ શહેરોમાં ઝડપી અવરજવર શક્ય બનશે.
એરપોર્ટને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યો છે. અહીં 1,900 મીટર લાંબો રનવે તૈયાર કરવામાં આવ્યો છે, જે વિવિધ પ્રકારના પેસેન્જર અને કાર્ગો વિમાનોને સરળતાથી સંભાળી શકે છે. મુસાફરોની સુવિધા માટે વિશાળ પાર્કિંગ, મલ્ટીપલ ચેક-ઇન કાઉન્ટર્સ, આરામદાયક લાઉન્જ અને ફુલ-સર્વિસ ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરોને ધ્યાનમાં રાખીને વ્હીલચેર સુવિધા, સરળ પ્રવેશ અને અલગ પેસેન્જર ડ્રોપ-ઓફ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને વધુ સારો અને સુવિધાજનક અનુભવ મળશે. આ એરપોર્ટ શરૂ થતાં મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ને પણ સીધો લાભ મળશે.
હવાઈ અને સમુદ્રી પરિવહન વચ્ચે વધુ સારો સમન્વય સર્જાતા માલસામાનની હેરફેર અને બિઝનેસ ઓપરેશન્સ વધુ કાર્યક્ષમ બનશે. આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને પણ નવી દિશા મળશે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ હાલમાં દેશના અનેક મોટા એરપોર્ટ્સનું સંચાલન કરી રહ્યું છે. તેમાં અમદાવાદ, મુંબઈ, નવી મુંબઈ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, મેંગલુરુ અને ગુવાહાટી જેવા મહત્વપૂર્ણ એરપોર્ટનો સમાવેશ થાય છે. મુન્દ્રા એરપોર્ટથી શરૂ થયેલી આ નવી ફ્લાઈટ સેવાઓ કચ્છ માટે વિકાસનો એક નવો અધ્યાય સાબિત થઈ શકે છે. વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાની સાથે આ સેવા સ્થાનિક લોકોને દેશના મોટા શહેરો સાથે વધુ ઝડપથી જોડશે.