Charotar

પેટલાદમાં રેતીની લીઝમાં ભાગીદારીના નામે હૈદરાબાદના વેપારી સાથે ₹ ૧૫ લાખની ઠગાઇ

ગંભીરાની લીઝમાં રોકાણ કરાવી ભાગીદારી ન આપી વિશ્વાસઘાત કરનાર વિજય શાહ સામે ગુનો દાખલ
આણંદ.
પેટલાદ ટાઉન પોલીસ મથકે હૈદરાબાદના એક વેપારીએ સ્થાનિક શખ્સ વિરુદ્ધ રેતીની લીઝમાં ભાગીદારી આપવાના બહાને ૧૫ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ગઠિયાએ ગંભીરા ખાતે આવેલી રેતીની લીઝમાં ભાગીદારી આપવા માટે રોકાણ કરાવી, કરાર ન કરી પૈસા ઓળવી લેતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હૈદરાબાદમાં બિલ્ડિંગ મટીરીયલ્સ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા અંકિત સુરેશભાઈ યાદવે પેટલાદના વિજયભાઈ અરવિંદભાઈ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અંકિતને તેમના વ્યવસાય માટે રેતીની જરૂર હોવાથી ૨૦૨૩માં તેમણે પેટલાદના વિજય શાહનો સંપર્ક કર્યો હતો. વિજય શાહે તેમને આણંદ જિલ્લાના ગંભીરા ખાતે પોતાની રેતીની લીઝ હોવાનું જણાવી તેમાં ભાગીદારીની ઓફર આપી હતી.
આ ભાગીદારી મેળવવા માટે અંકિતભાઈએ ૦૬ઠ્ઠી, એપ્રિલ, ૨૦૨૩ના રોજ આરટીજીએસ મારફતે ૧૦ લાખ રૂપિયા વિજય શાહની કંપની ‘વિજય ટ્રેડિંગ’ના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદ લીઝની જગ્યા પર સાફ-સફાઈ કરવાના બહાને આરોપીએ વધુ ૫ લાખ રૂપિયાનો ખર્ચ પણ ફરિયાદી પાસે કરાવ્યો હતો. આમ, કુલ ૧૫ લાખ રૂપિયા મેળવ્યા હોવા છતાં આરોપી વિજય શાહે ભાગીદારીના કરાર કરવામાં લાંબો સમય સુધી ગલ્લાતલ્લા કર્યાં હતાં. જ્યારે ફરિયાદીએ પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીએ પૈસા આપવાની પણ ના પાડી દઈ વિશ્વાસઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પેટલાદ ટાઉન પોલીસે વિજયભાઈ અરવિંદભાઈ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top