ભારતીય એથ્લેટિક્સમાં એક નવો ઈતિહાસ સર્જાયો છે. પંજાબના યુવા સ્પ્રિન્ટર ગુરિંદરવીર સિંહ એ 100 મીટર દોડમાં એવો રેકોર્ડ બનાવ્યો છે કે હવે તેમને “ભારતનો સૌથી ઝડપી દોડવીર” કહેવામાં આવી રહ્યો છે. ગુરિંદરવીરે 2026 ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 10.09 સેકન્ડનો સમય નોંધાવી ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ સાથે તેઓ 10.10 સેકન્ડથી ઓછા સમયમાં 100 મીટર દોડ પૂરી કરનાર પ્રથમ ભારતીય બન્યા છે.
રાંચીમાં યોજાયેલા ફેડરેશન કપ દરમિયાન ગુરિંદરવીર સિંહે ગોલ્ડ મેડલ જીતતાં જ દેશભરમાં તેમની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તેમની આ દોડે ભારતીય એથ્લેટિક્સને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવી છે. અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેમના જ નામે હતો, પરંતુ હવે તેમણે પોતાનો જ રેકોર્ડ વધુ સુધારીને નવો ઈતિહાસ રચ્યો છે.
ગુરિંદરવીર સિંહનો જન્મ પંજાબના જલંધર જિલ્લાના પટિયાલ ગામમાં થયો હતો. બાળપણથી જ તેમને રમતગમતમાં રસ હતો. રિપોર્ટ મુજબ, દિવાળી દરમિયાન ઘરની સફાઈ કરતી વખતે તેઓ પોતાના પિતાના મેડલ અને ટ્રોફી જોઈ પ્રેરાયા હતા. તેમના પિતા પણ ખેલકૂદ સાથે જોડાયેલા હતા, જેના કારણે ગુરિંદરવીરમાં સ્પોર્ટ્સ પ્રત્યેનો જુસ્સો વધ્યો હતો. ગુરિંદરવીર હાલમાં ભારતીય નૌકાદળ સાથે પણ જોડાયેલા છે અને પેટી ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે. તેમના ઐતિહાસિક રેકોર્ડ બાદ ભારતીય નૌકાદળે પણ તેમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. નૌકાદળે કહ્યું હતું કે “ભારતનો સૌથી ઝડપી માણસ સફેદ યુનિફોર્મ પહેરે છે.”
ગુરિંદરવીર સિંહ છેલ્લા કેટલાક વર્ષોથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 2025માં તેમણે 10.20 સેકન્ડનો સમય નોંધાવી રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ 2026માં ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 60 મીટર દોડમાં પણ રાષ્ટ્રીય રેકોર્ડ નોંધાવ્યો હતો.ફેડરેશન કપ દરમિયાન ભારતીય સ્પ્રિન્ટિંગમાં જબરદસ્ત સ્પર્ધા જોવા મળી હતી. થોડા સમય માટે અનિમેષ કુજૂરે રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો, પરંતુ તરત જ ગુરિંદરવીરે 10.09 સેકન્ડનો સમય નોંધાવી ફરી રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ સ્પર્ધાને ભારતીય એથ્લેટિક્સના ઈતિહાસની સૌથી રોમાંચક સ્પ્રિન્ટ રેસોમાંની એક માનવામાં આવી રહી છે.
ગુરિંદરવીરના આ ઐતિહાસિક પ્રદર્શન બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગુરિંદરવીરને “પંજાબનો બહાદુર દીકરો” કહી સંબોધ્યા હતા.ભારતીય એથ્લેટિક્સ નિષ્ણાતોનું માનવું છે કે ગુરિંદરવીર સિંહનું આ પ્રદર્શન ભારત માટે મોટું ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. અત્યાર સુધી ભારત લાંબી દોડ અને ફીલ્ડ ઇવેન્ટ્સમાં વધુ ઓળખ ધરાવતું હતું, પરંતુ હવે સ્પ્રિન્ટિંગમાં પણ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા લાગ્યું છે.
ગુરિંદરવીર સિંહે પોતાના પ્રદર્શન બાદ કહ્યું હતું કે આ તો માત્ર શરૂઆત છે અને તેઓ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે વધુ મોટા રેકોર્ડ બનાવવા માંગે છે. તેમની આ સિદ્ધિએ દેશના યુવા ખેલાડીઓમાં નવી પ્રેરણા જગાવી છે.