NEET પેપર લીક અને મોંઘા ઇંધણ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકાર પર આકરા પ્રહારો
NEET પેપર લીકથી 22 લાખ વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં, ગુજરાત સરકાર પણ પરીક્ષાર્થીઓને ફ્રી બસ સુવિધા આપે : અરવિંદ કેજરીવાલ
રશિયા-ઈરાન સસ્તું ક્રૂડ આપવા તૈયાર છે તો ભારત સરકાર કેમ ખરીદતી નથી ? પેટ્રોલ પંપો પરની લાઈનો અને ખેડૂતોની હાલાકી મુદ્દે વ્યક્ત કરી ચિંતા
(પ્રતિનિધિ), વડોદરા. તા.24
વડોદરા :- આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ડેડિઆપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ ફૂલહાર અને નારાઓ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. વડોદરા આગમન સાથે જ અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં દેશ અને રાજ્યના સળગતા મુદ્દાઓ પર સરકારને આડે હાથ લીધી હતી.

અરવિંદ કેજરીવાલે દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પરીક્ષાના પેપર લીક મામલે ઊંડી ચિંતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, NEETનું પેપર લીક થવાને કારણે દેશના 22 લાખ જેટલા હોનહાર વિદ્યાર્થીઓ સીધા પ્રભાવિત થયા છે. વર્ષો સુધી દિવસ-રાત મહેનત કરનારા આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો આજે અત્યંત દુઃખી છે અને યુવાનો ડિપ્રેશનમાં સરી પડ્યા છે. શિક્ષણ વ્યવસ્થામાં આવી બેદરકારી દેશના ભવિષ્ય સાથે ખીલવાડ સમાન છે.
ગુજરાતમાં હાલમાં જોવા મળી રહેલી પેટ્રોલ-ડીઝલની અછત પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે, અત્યારે ગુજરાતમાં પેટ્રોલ પંપો પર વાહનોની મોટી મોટી લાઈનો લાગી રહી છે, જે ચિંતાજનક બાબત છે. ખાસ કરીને ખેતીની સીઝનમાં જો ખેડૂતોને સમયસર ડીઝલ નહીં મળે, તો તેઓ ખેતી કઈ રીતે કરશે? સરકારની નબળી વ્યવસ્થાને કારણે સામાન્ય જનતા અને ખેડૂતોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે.

મોંઘવારી અને ઇંધણ સંકટના કાયમી ઉકેલ માટે અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે એક મહત્વનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, આજે વૈશ્વિક સ્તરે રશિયા અને ઈરાન ભારતને સસ્તા ભાવે ઓઇલ (તેલ) અને ગેસ આપવા માટે તૈયાર છે, પરંતુ ભારત સરકાર કોઈ અગમ્ય કારણોસર તે લેવા માટે તૈયાર નથી. તેમણે ભારત સરકારને પૂરજોશમાં અપીલ કરી છે કે દેશહિતમાં અને જનતાને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવા માટે રશિયા અને ઈરાન પાસેથી તાત્કાલિક સસ્તા દરે તેલ અને ગેસની ખરીદી કરવામાં આવે, જેથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકાય અને અછત દૂર થાય.