સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક હવે ગંભીર સમસ્યા બની રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સતત વધી રહેલા શ્વાનના હુમલાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રિંગરોડ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરમાં ચિંતા વધારી દીધી છે. અહીં માર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા આવેલી મહિલાના માસૂમ બાળક પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલા તિરુપતિ માર્કેટમાં એક મહિલા પોતાના બાળક સાથે ખરીદી કરવા માટે આવી હતી. આ દરમિયાન બાળક માતાથી થોડું દૂર ગયું હતું ત્યારે અચાનક ત્રણથી ચાર રખડતા શ્વાન બાળક તરફ દોડી આવ્યા હતા અને તેના પર હુમલો કર્યો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શ્વાનના હુમલાથી માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.શ્વાન બાળકને ઘેરીને હુમલો કરી રહ્યા હતા ત્યારે આસપાસ હાજર વેપારીઓ અને સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા. લોકોએ લાકડાં અને અન્ય વસ્તુઓ વડે શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ભારે મહેનત બાદ બાળકને શ્વાનના ચંગુલમાંથી બચાવવામાં આવ્યો હતો.
હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. બાળકના શરીરના વિવિધ ભાગોમાં ઘા લાગતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ બાળકની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટનાનો CCTV વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વેપારીઓ અને માર્કેટમાં આવનારા લોકોમાં સુરક્ષા અંગે ગંભીર ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે રિંગરોડ વિસ્તારમાં આવેલા અનેક માર્કેટોમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. શ્વાનના ટોળાં દિવસ-રાત માર્કેટ વિસ્તારમાં ફરતા રહે છે, જેના કારણે વેપારીઓ, ગ્રાહકો અને નાના બાળકોને જીવનું જોખમ રહે છે.સાથે જ સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે અનેક વખત સુરત મહાનગરપાલિકા પાસે ફરિયાદો કરવા છતાં કોઈ કાયમી કાર્યવાહી કરવામાં આવી નથી. મનપા દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાન મામલે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી હોવા છતાં સુરત મહાનગરપાલિકા યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી હોવાનું લોકો કહી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં શહેરના અનેક વિસ્તારોમાં શ્વાનના હુમલાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.થોડા દિવસો અગાઉ પણ રામપુરા વિસ્તારમાં રખડતા શ્વાનના ટોળાએ બકરાઓ પર હુમલો કરી અનેક બકરાઓને મારી નાખ્યા હતા. હવે માસૂમ બાળક પર થયેલા હુમલાએ લોકોમાં વધુ ડર અને ગુસ્સો ઉભો કર્યો છે.
વેપારીઓએ માંગ કરી છે કે માર્કેટ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ ચલાવી રખડતા શ્વાનને પકડવામાં આવે અને લોકોને સુરક્ષા આપવામાં આવે. લોકોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટના બની શકે છે.
હાલ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ શહેરમાં વધતા શ્વાનના આતંકને લઈને લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.