મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ૩૩ વર્ષીય પરિણીત મહિલા ત્વિષા શર્માના તેના પતિના ઘરે શંકાસ્પદ મૃત્યુનો મામલો જોર પકડી રહ્યો છે. ત્વિષા શર્મા ૧૨ મેના રોજ તેના પતિ સમર્થ સિંહના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી, જે વ્યવસાયે વકીલ છે. ત્વિષા અને સમર્થ એક ડેટિંગ એપ દ્વારા મળ્યાં હતાં અને તેમણે ભવ્ય લગ્ન કર્યાં હતાં, પરંતુ લગ્નના પાંચ મહિના પછી જ ત્વિષાએ આત્મહત્યા કરી હતી. ત્વિષાના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તે આત્મહત્યા નથી પણ હત્યા છે. ત્વિષાના પરિવારનો આરોપ છે કે તેના સાસરિયાંઓ તેમની રાજકીય લાગવગનો ઉપયોગ કરીને ન્યાય પ્રક્રિયામાં અવરોધ લાવી રહ્યા છે. ત્વિષાનો પરિવાર તેના પતિ સમર્થસિંહ અને સાસુ ગિરિબાલાસિંહ સામે ગંભીર આરોપો લગાવી રહ્યો છે.
છોકરીના પરિવારનો આરોપ છે કે સમર્થનો પરિવાર તેમની પુત્રીને માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યો હતો. ત્વિષાનો ભાઈ ભારતીય સેનામાં મેજર છે. પરિવારના દબાણને પગલે મૃતકનાં સાસરિયાંઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તેમને તાત્કાલિક અંતરિમ જામીન આપવામાં આવ્યા હતા, જેનો પીડિત પરિવાર વિરોધ કરી રહ્યો છે. છોકરીનો પરિવાર માંગણી કરી રહ્યો છે કે તેમના જામીન રદ કરવામાં આવે અને દિલ્હીના એઈમ્સમાં બીજું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. પોલીસ તપાસ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આત્મહત્યામાં ઉપયોગમાં લેવાયેલો નાયલોનનો પટ્ટો પોસ્ટમોર્ટમ દરમિયાન પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો ન હતો.
જો કે, પટ્ટો પાછળથી મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ સમયે પટ્ટો ન હોવાને કારણે ડોકટરો ફાંસીનાં સાધન અને ગળા પરના નિશાનને મેચ કરી શક્યા ન હતા. પટ્ટાની ગેરહાજરીને કારણે વૈજ્ઞાનિક રીતે મેચિંગ અને લિગેચર માર્કનું માપન પણ અશક્ય બન્યું હતું. પટ્ટો હવે તપાસ માટે AIIMS મોકલવામાં આવ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોપી સાસુએ કોર્ટમાં ખુલાસો કર્યો કે ત્વિષા ડ્રગ્સની વ્યસની હતી. ત્યાર બાદ આ કેસ વધુ સંવેદનશીલ બન્યો છે. ત્વિષા શર્મા મૂળ નોઈડાની રહેવાસી હતી. તેણે મિસ પુણેનો ખિતાબ જીત્યો હતો અને તે મોડેલિંગના વ્યવસાયમાં કામ કરી ચૂકી હતી. ત્વિષા ૨૦૨૪ માં ડેટિંગ એપ દ્વારા ભોપાલના વકીલ સમર્થ સિંહને મળી હતી.
બંનેએ ડિસેમ્બર ૨૦૨૫ માં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી તરત જ ત્વિષા અને તેનાં સાસરિયાંઓ વચ્ચે તણાવ શરૂ થયો હતો. ત્વિષાના પરિવારનો આરોપ છે કે લગ્ન સમયે દહેજ આપવા છતાં, તેમને સતત ટોણાં મારવામાં આવતાં હતાં કે લગ્ન તેમનાં ધોરણો મુજબ નથી. એફઆઈઆરમાં પરિવારે આરોપ લગાવ્યો છે કે લગ્ન પછી ત્વિષાને ખર્ચ માટે પૈસા આપવામાં આવતા ન હતા અને તેના માતાપિતા ઓનલાઈન પૈસા મોકલતા હતા. આ જ FIR મુજબ ત્વિષા એપ્રિલ ૨૦૨૬ માં ગર્ભવતી હતી. પરિવારનો આરોપ છે કે તેના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલાસિંહે તેના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા હતા. પરિવારનું કહેવું છે કે દબાણને કારણે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ત્વિષાને ગર્ભપાત કરાવવાની ફરજ પાડવામાં આવી હતી.
ત્વિષા શર્માના પરિવારના જણાવ્યા અનુસાર તેણે MBA કર્યું હતું અને તે માર્કેટિંગ અને કોમ્યુનિકેશનમાં કામ કરતી હતી. તેણીએ દિલ્હી અને અન્ય શહેરોમાં કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું હતું. ત્વિષાની ઓળખ ફક્ત કોર્પોરેટ જગત પૂરતી મર્યાદિત નહોતી. તેના પિતા કહે છે કે ત્વિષા મોડેલિંગ, અભિનય અને સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ સામેલ હતી. નવનિધિ શર્માએ કહ્યું કે મારી દીકરી મિસ પુણે રહી ચૂકી હતી, ઘણી મોટી કંપનીઓ માટે જાહેરાત કરતી હતી અને તેણે તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. ત્વિષાના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે લગ્ન પછી તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમના મતે ત્વિષા નોઈડા પરત ફરવા માંગતી હતી. એક વોટ્સએપ ચેટમાં ત્વિષાએ તેની માતાને લખ્યું હતું કે મમ્મી, મને ખૂબ ગૂંગળામણ થઈ રહી છે. બીજા સંદેશમાં તેણીએ લખ્યું હતું કે મારું જીવન નર્ક બની ગયું છે.
પરિવારના જણાવ્યા અનુસાર ત્વિષાએ ૧૨ મેના રોજ રાત્રે લગભગ ૯:૪૧ વાગ્યે તેના પિતાને વોટ્સએપ કોલ કર્યો હતો. તેના પિતા નવનિધિ શર્મા કહે છે કે તેમની પત્ની ત્વિષા સાથે વાત કરી રહી હતી ત્યારે પાછળથી સમર્થ સિંહનો અવાજ આવ્યો અને અચાનક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.
પરિવારનું કહેવું છે કે આ પછી તેઓએ લગભગ ૨૦ મિનિટ સુધી સતત ફોન કર્યો પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં. પાછળથી ગિરિબાલા સિંહે ફોન ઉપાડ્યો અને કહ્યું કે તે હવે નથી રહી. ત્વિષાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગૂંગળામણ હોવાનું જણાવાયું હતું. તેમાં શરીર પર અન્યત્ર અનેક ઈજાઓ પણ નોંધાઈ હતી. આ ઈજાઓ હત્યાની સંભાવનાઓ વ્યક્ત કરતી હતી.
ત્વિષાની સાસુ અને નિવૃત્ત ન્યાયાધીશ ગિરિબાલાસિંહે ત્વિષાના માતા-પિતા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં અને કોર્ટમાં દાખલ કરાયેલી આગોતરા જામીન અરજીમાં લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ત્વિષા અને સમર્થ સિંહે પોતાની મરજીથી લગ્ન કર્યાં હતાં અને તેમનાં પરિવારોએ તેમની વચ્ચે મોટા મતભેદો હોવા છતાં આ સંબંધ સ્વીકાર્યો હતો. ગિરિબાલા સિંહે દાવો કર્યો હતો કે ત્વિષા માનસિક અને તબીબી સમસ્યાઓથી પીડાતી હતી અને તેની સારવાર ચાલી રહી હતી. ગિરિબાલાસિંહે ત્વિષાનાં માતા-પિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા કે તેનાં સાસરિયાંઓ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
ભોપાલ પોલીસે આ કેસની તપાસ માટે છ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે, જેનું નેતૃત્વ ACP રજનીશ કશ્યપ કૌલ કરી રહ્યા છે. પોલીસે ત્વિષા શર્માના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહ વિરુદ્ધ દહેજ મૃત્યુ, ત્રાસ અને દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. એસીપી રજનીશ કશ્યપ કૌલે જણાવ્યું કે ત્વિષાનું મૃત્યુ તેના લગ્નના સાડા પાંચ મહિનામાં થયું હોવાથી દહેજ મૃત્યુ સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારે ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. પોલીસે કોર્ટમાં એવી પણ દલીલ કરી છે કે જો આરોપીને જામીન મળે તો પુરાવા સાથે છેડછાડ થવાની શક્યતા હોઈ શકે છે. મુખ્ય આરોપી સમર્થ સિંહ છે. અમે કોર્ટમાં દલીલ કરી છે કે જો આરોપીઓને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે અને આ આધારે સમર્થ સિંહની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
આરોપી પક્ષે ઘટના પછી તાત્કાલિક પોલીસને જાણ કરી ન હતી. જો કે આ પક્ષ કાયદા અને પ્રક્રિયાથી વાકેફ જણાય છે. આ કેસની શરૂઆતની તપાસ પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે પોસ્ટમોર્ટમ તપાસ દરમિયાન કથિત ફાંસો રજૂ કરવામાં આવ્યો ન હતો. આ અંગે એસીપીએ કહ્યું કે તત્કાલીન તપાસ અધિકારી દ્વારા સામગ્રી ન મોકલવા અંગે તપાસ ચાલી રહી છે. જો કે એફએસએલ ટીમે ઘટનાસ્થળેથી જ ફાંસો કબજે કર્યો હતો, પરંતુ તે પોસ્ટમોર્ટમ માટે કેવી રીતે પહોંચ્યો નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સમર્થ સિંહની ધરપકડ માટે ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસનું કહેવું છે કે દહેજ ઉત્પીડન, શારીરિક હિંસા અને પુરાવાનો નાશ કરવાના આરોપો સહિત કેસનાં તમામ પાસાંઓની તપાસ કરવામાં આવી રહી છે. ત્વિષાના પરિવારે આ કેસમાં નવેસરથી પોસ્ટમોર્ટમની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે બીજું પોસ્ટમોર્ટમ AIIMS દિલ્હી અથવા બહારની કોઈ સ્વતંત્ર નિષ્ણાત સંસ્થામાં કરાવવું જોઈએ. પરિવાર હવે સીબીઆઈ દ્વારા તપાસની માગણી પણ કરી રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.