Vadodara

MGVCL મેનેજમેન્ટ વિરુદ્ધ પડતર પ્રશ્ને આંદોલન,કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ

ટેકનિકલ સ્ટાફને વધારાની કામગીરી સહિતના પ્રશ્ને દેખાવો કર્યા

માંગણીઓ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલી વીજ કંપનીની કોર્પોરેટ કચેરી ખાતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે મેનેજમેન્ટ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.

તા.1 મે 2026ના રોજ મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટને પાઠવવામાં આવેલી આંદોલન નોટિસના અનુસંધાનમાં આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. માત્ર વડોદરા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની 128 પેટા સબ ડિવિઝન, 18 ડિવિઝન અને 5 વર્તુળ કચેરીઓમાં પણ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા કોર્પોરેટ કચેરી ખાતે આશરે 700 જેટલા એન્જિનિયર અને 4500થી વધુ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી પ્રદર્શનમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ ન આવતા હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આગામી સમયમાં માંગણીઓ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top