રાંદેરના રમનગરમાં સામાન્ય બોલાચાલી બાદ યુવકની ઘાતકી હત્યા, સગીર સહિત બે ઝડપાયા
સુરત શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા ગુનાહિત બનાવો વચ્ચે રાંદેર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા રમનગરમાં માત્ર સિગારેટ પીવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ 33 વર્ષીય યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને સગીર સહિત બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકની ઓળખ અમર પંજવાણી તરીકે થઈ છે, જે આનંદ મહેલ રોડ પર આવેલા પારસ નગર સોસાયટીમાં રહેતો હતો. ગત રોજ સાંજના સમયે અમર પાનના ગલ્લા પાસે સિગારેટ પીવા માટે ઉભો હતો. આ દરમિયાન ત્યાં હાજર સગીર અને તેનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ રાજેશ વસાવા સાથે અમરની સામાન્ય બોલાચાલી થઈ હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આરોપીઓએ અમર સાથે ગાળાગાળી અને ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે અમર પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન અમરને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરત જ પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરી હતી. અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ ટેક્નિકલ અને માનવ સૂત્રો પરથી માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે હત્યામાં સંડોવાયેલા સગીર સહિત 18 વર્ષીય શ્રવણ ઉર્ફે ગોપાલ રાજેશ વસાવાને ઝડપી લીધો હતો. આરોપી શ્રવણ વસાવા રાંદેરના શિવગંગા નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની અને ઘટનાની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. સાથે જ આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ ચકાસવામાં આવી રહ્યો છે.છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સામાન્ય બાબતોમાં હત્યા, મારામારી ચપ્પુબાજીના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો અગાઉ પણ રાંદેર અને ઉધના વિસ્તારમાં નાની બાબતોને લઈને જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવી હતી.
સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ પોલીસ પાસે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે નાના ઝઘડા હવે સીધા હત્યા સુધી પહોંચી રહ્યા છે, જે શહેર માટે ગંભીર ચિંતાનો વિષય છે.હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સમગ્ર ઘટનાનો ટૂંક સમયમાં સંપૂર્ણ ભેદ ઉકેલી લેવામાં આવશે.