Editorial

નો-એડમિશન ઝોનમાંથી કોલેજોને હંગામી રાહત, હવે પ્રવેશ પ્રક્રિયામાં થશે સમાવેશ

સૈદ્ધાંતિક મંજૂરી વિના બેઠકો GCAS પોર્ટલ પર દેખાતી નહોતી
28 મેથી પ્રવેશ ફાળવણી શરૂ થતાં ઉચ્ચ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

( પ્રતિનિધિ ) વડોદરા, તા.25
રાજ્યની વિવિધ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર કોલેજોને સૈદ્ધાંતિક મંજૂરીના અભાવે ‘નો-એડમિશન ઝોન’માં મૂકવામાં આવી હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ કોલેજોને હંગામી રાહત આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
માહિતી મુજબ, GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ મારફતે ચાલી રહેલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં અનેક કોલેજોની બેઠકો દર્શાવવામાં આવતી નહોતી. કારણ કે આ કોલેજોએ રાજ્ય સરકાર પાસેથી જરૂરી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી નહોતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને કોલેજો બંને માટે પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી હતી.
હાલમાં રાજ્યભરમાં કોલેજ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી 28 મેથી પ્રવેશ ફાળવણી સહિતની મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત ન રહેવું પડે તે માટે ઉચ્ચ શિક્ષણ વિભાગે આ કોલેજોને નો-એડમિશન ઝોનમાંથી મુક્ત કરીને હંગામી રીતે પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત કોલેજોને આગામી એક માસની અંદર રાજ્ય સરકાર પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી લેવા તાકીદ પણ કરવામાં આવી છે. નિયમ મુજબ ગુજરાત યુનિવર્સિટી સહિત વિવિધ સરકારી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી કોલેજોએ નિયમિત રીતે સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત હોય છે.
સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ જ કોલેજોને સત્તાવાર રીતે પ્રવેશ ફાળવણી આપવામાં આવતી હોય છે. જોકે, હાલ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પ્રવેશ પ્રક્રિયાને અસર ન થાય તે માટે રાજ્ય સરકારે હંગામી રાહત આપતા વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

Most Popular

To Top