(પ્રતિનિધિ), વડોદરા. તા.24
વડોદરા : શહેરના સુસેન-વડસર રોડ પર આવેલા વસંત વિહાર સામે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે કારમાં સવાર બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

મળતી માહિતી મુજબ, વસંત વિહારની સામેથી પસાર થઈ રહેલી GJ 06 PJ 9036 નંબરની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે રોડ પર થોડા સમય માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ફોર વ્હીલર કાર અનિયંત્રિત થઈ ને પલટી ખાઈ ગઈ હતી. ગાડીને ખુબ જ નુકશાન થવા છતાં અંદર બેઠેલા બંને લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જેથી રાહદારીઓએ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત બાદ પોલીસ અને તંત્ર દ્વારા વાહનચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, વળાંકો અને ધમધમતા રસ્તાઓ પર વાહનની ગતિ મર્યાદિત રાખવી. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ માત્ર કાયદો નથી, પણ તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે અનિવાર્ય છે. સહેજ સાવચેતી મોટા અકસ્માતને ટાળી શકે છે.