મેનેજરે બિલ ન ભરવાનું કહી હાથ ખંખેર્યા, લેખિત જવાબ માંગતા ચાલતી પકડી, પાલિકા દ્વારા કડક કાર્યવાહીની માંગ
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરાના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા નજીક આવેલા પિઝીનોઝ પિઝાના આઉટલેટમાં ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો છે. કોમ્બો પેક ઓર્ડર કર્યા બાદ ગાર્લિક બ્રેડમાં ફૂગ જોવા મળતા મહિલા ગ્રાહક ચોંકી ઉઠી હતી.

માંજલપુર તુલસીધામ ચાર રસ્તા નજીક આવેલા પિઝીનોઝ પિઝામાં ગયેલા પરિવારે કોમ્બો પેક સિલેક્ટ કરી પ્રથમ સ્ટાર્ટરસ લીધા બાદ પીઝા મંગાવ્યા હતા. જેમાં ગાર્લિક બ્રેડ આવતા તેમાં ફંગસ દેખાતા મહિલા ગ્રાહકે તુરંત સ્ટાફને રજૂઆત કરી હતી. ગ્રાહકના આક્ષેપ મુજબ મેનેજરે કહ્યું સારું બિલ પે ના કરશો અને ત્યાંથી જતો રહ્યો. ગ્રાહકે લેખિતમાં જવાબ માંગ્યો અને સંચાલક સાથે પણ વાત કરાવડાવી હતી પરંતુ મેનેજરે પણ ચાલતી પકડી હતી.

શહેરમાં ખુલ્લેઆમ આવા તત્વો બેફામ બન્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો કે ફૂડ સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય સાથે બાંધછોડ કરતા આવા આઉટલેટ સામે તપાસ કરી કડક પગલાં લેવા જરૂરી છે.
