ગાંધીનગર: ગુજરાત વીજ નિયમન પંચ (GERC) દ્વારા “ગ્રિડ ઇન્ટરેક્ટિવ ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યુએબલ એનર્જી સોર્સિસ રેગ્યુલેશન્સ-2026”નો મુસદ્દો (ડ્રાફ્ટ) જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો રાજ્યભરમાં સોલાર સહિતના ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ (DRES)ને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. નવા ડ્રાફ્ટ નિયમો અમલમાં આવ્યા બાદ 2016ના “નેટ મીટરિંગ રૂફટોપ સોલાર પીવી ગ્રિડ ઇન્ટરેક્ટિવ સિસ્ટમ” સંબંધિત અગાઉના નિયમો રદ થશે.
ડ્રાફ્ટ મુજબ ગ્રાહકોને પાંચ પ્રકારની વ્યવસ્થાઓ હેઠળ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. તેમાં નેટ મીટરિંગ, નેટ બિલિંગ, ગ્રુપ નેટ મીટરિંગ, વર્ચ્યુઅલ નેટ મીટરિંગ અને ગ્રોસ મીટરિંગનો સમાવેશ થાય છે. ખાસ કરીને “ગ્રુપ નેટ મીટરિંગ” (GNM)ની જોગવાઈ સૌથી વધુ ચર્ચામાં છે. આ વ્યવસ્થા હેઠળ ગ્રાહક દ્વારા સ્થાપિત ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ (DRES)માંથી ગ્રીડમાં નિકાસ થતી વધારાની સોલાર વીજળીનો લાભ એકથી વધુ વીજ કનેક્શનોમાં મેળવી શકાશે.
એક જ ગ્રાહકના સમાન ગ્રાહક વર્ગ ધરાવતા અને એક જ ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સીના કાર્યક્ષેત્રમાં આવેલા અલગ-અલગ સ્થળોના વીજ કનેક્શનોમાં ઊર્જા એડજસ્ટ કરી શકાશે. એટલે કે, જો કોઈ ગ્રાહકની એકથી વધુ પ્રોપર્ટી હોય તો એક જગ્યાએ ઉત્પન્ન થતી વધારાની સોલાર વીજળી બીજી જગ્યાના વીજ બિલમાં સરભર કરી શકાશે. આથી રહેણાંક સોસાયટીઓ, વ્યાવસાયિક સંકુલો તથા બહુવિધ મિલકત ધરાવતા ગ્રાહકોને મોટો લાભ મળશે.
ડ્રાફ્ટમાં “વર્ચ્યુઅલ નેટ મીટરિંગ”ની પણ મહત્ત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. તેના અંતર્ગત સોલાર પ્લાન્ટ ગમે ત્યાં દૂર સ્થાપિત કરાયો હોય તો પણ તેનો આર્થિક લાભ સોસાયટીના અલગ-અલગ ફ્લેટધારકો અથવા ભાગીદાર ગ્રાહકો વચ્ચે વહેંચી શકાશે. જ્યારે “ગ્રોસ મીટરિંગ” વ્યવસ્થામાં ઉત્પન્ન થતી સમગ્ર વીજળી સીધી જ ગ્રીડમાં વેચી શકાશે અને ગ્રાહક પોતાનો વીજ વપરાશ સામાન્ય ગ્રાહકની જેમ ચાલુ રાખી શકશે.
નિયમો અનુસાર તમામ કેટેગરીના ગ્રાહકોને 1 કિલોવોટથી લઈને 1000 કિલોવોટ સુધી નેટ મીટરિંગ અને નેટ બિલિંગ હેઠળ DRES સ્થાપવાની મંજૂરી મળશે. જ્યારે ગ્રોસ મીટરિંગ હેઠળ 4000 કિલોવોટ સુધી ક્ષમતા મંજૂર કરવામાં આવશે. ગ્રુપ નેટ મીટરિંગ માટે ઓછામાં ઓછી 6 કિલોવોટ ક્ષમતા ફરજિયાત રાખવામાં આવી છે, જ્યારે વર્ચ્યુઅલ નેટ મીટરિંગ માટે ઓછામાં ઓછી 100 કિલોવોટ અને મહત્તમ 4000 કિલોવોટ ક્ષમતા મંજૂર કરવામાં આવી છે. ડ્રાફ્ટ મુજબ વર્ચ્યુઅલ નેટ મીટરિંગ હેઠળ DRES સિસ્ટમ 11 કે 22 કિલોવોલ્ટ નેટવર્ક સાથે જોડાશે અને GETCOના 66 કિલોવોલ્ટ સબ-સ્ટેશન સુધી ડેડિકેટેડ ઇવેક્યુએશન લાઇન ઉભી કરવાની જવાબદારી DRES માલિકની રહેશે.
ગ્રીડમાં વધારાની વીજળી આપ્યા બાદ બચેલી ઊર્જા માટે પ્રતિ યુનિટ રૂ.2.25ના દરે ચૂકવણી
નવા નિયમોમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. 100 કિલોવોટથી વધુ કરાર આધારિત લોડ ધરાવતા ગ્રાહકો જો કરાર લોડ કરતાં વધુ ક્ષમતાનું DRES સ્થાપે તો વધારાની ક્ષમતાના ઓછામાં ઓછા 50 ટકા માટે બે કલાકની ચાર્જિંગ-ડિસ્ચાર્જિંગ ક્ષમતા ધરાવતી BESS ફરજિયાત રહેશે. ડ્રાફ્ટ મુજબ 10 કિલોવોટ સુધીની DRES અરજીઓને ટેક્નિકલ ફીઝિબિલિટી અભ્યાસ વગર મંજૂર માનવામાં આવશે. ઉપરાંત ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સીઓને ઓનલાઈન વેબ પોર્ટલ શરૂ કરવાની અને સમગ્ર પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરવાની ફરજ પાડવામાં આવી છે.
નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રહેણાંક શ્રેણીના ગ્રાહકોને નેટ મીટરિંગ હેઠળ ગ્રીડમાં વધારાની વીજળી આપ્યા બાદ બચેલી ઊર્જા માટે પ્રતિ યુનિટ રૂ. 2.25ના દરે ચૂકવણી કરવામાં આવશે. ઉપરાંત, વિતરણ કંપનીઓ દ્વારા પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવે તો ગ્રાહકને પ્રતિ દિવસ ઓછામાં ઓછા રૂ. 500 વળતર ચૂકવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.