Education

CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ પર સવાલ, ધોરણ 12ના પરિણામમાં 3 ટકાનો ઘટાડો

સ્કેન ગુણવત્તા, સ્ક્રીન થાક અને ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિ સામે નિષ્ણાતોમાં ચર્ચા

A/B ટેસ્ટિંગ અને પારદર્શક અભ્યાસની માંગ ઉઠી, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો


( પ્રતિનિધિ ) વડોદરા, તા.24

કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 12ની ઉત્તરવહીઓની તપાસ માટે અમલમાં મુકાયેલી ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. 13 મેના રોજ જાહેર કરાયેલા ધોરણ 12ના પરિણામોમાં પાસ ટકાવારી 88.39 ટકાથી ઘટીને 85.20 ટકા નોંધાતા શિક્ષણજગતમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે 3 ટકાનો ઘટાડો માત્ર પ્રશ્નપત્ર અઘરું હોવાને કારણે થયો હોવાનું માનવું યોગ્ય નથી.

સીબીએસઈએ 9 ફેબ્રુઆરીએ જાહેર કરેલી નવી ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિ હેઠળ વિદ્યાર્થીઓની ભૌતિક ઉત્તરવહીઓને સ્કેન કરીને સુરક્ષિત ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ મૂલ્યાંકનકારો કમ્પ્યુટર સ્ક્રીન પર જવાબો ચકાસે છે. બોર્ડનો દાવો હતો કે આ પદ્ધતિ મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક બનાવશે.

પરંતુ શિક્ષણવિદો અને મૂલ્યાંકનકારો માને છે કે ડિજિટલ મૂલ્યાંકનમાં કેટલીક ગંભીર મર્યાદાઓ છે. બ્રિટિશ જર્નલ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજીમાં 2010માં પ્રકાશિત અભ્યાસ મુજબ સ્ક્રીન પર મૂલ્યાંકન કરતાં ગુણોમાં વધુ તફાવત જોવા મળે છે. ખાસ કરીને સ્કેનની ગુણવત્તા નબળી હોય ત્યારે વિદ્યાર્થીઓનું હસ્તલિખિત લખાણ અસ્પષ્ટ દેખાય છે, જેના કારણે યોગ્ય મૂલ્યાંકન પ્રભાવિત થઈ શકે છે.

આ ઉપરાંત લાંબા સમય સુધી સ્ક્રીન સામે કામ કરવાથી થતો “સ્ક્રીન થાક” અને નવા ડિજિટલ ઇન્ટરફેસનો માનસિક દબાણ પણ મૂલ્યાંકનની ગુણવત્તા પર અસર કરે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સીબીએસઈએ સમગ્ર દેશમાં સિસ્ટમ અમલમાં મૂકતા પહેલાં યોગ્ય A/B ટેસ્ટિંગ કરવું જોઈએ હતું.

તેમના મત અનુસાર, એક જૂથ દ્વારા પરંપરાગત કાગળ આધારિત મૂલ્યાંકન અને બીજા જૂથ દ્વારા સ્ક્રીન આધારિત મૂલ્યાંકન કરાવી બંને વચ્ચેના ગુણ, ગુણવિતરણ અને વિસંગતતાની સરખામણી કરવી જરૂરી હતી. આ પ્રકારનો આંકડાકીય અભ્યાસ સિસ્ટમની વિશ્વસનીયતા સાબિત કરવામાં મદદરૂપ બની શક્યો હોત.

ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ અગાઉ 2017માં માર્ક્સ મોડરેશન પોલિસી બંધ કરતી વખતે પણ ભારે વિવાદમાં આવ્યું હતું અને બાદમાં બોર્ડને કેટલીક જોગવાઈઓ પર પુનર્વિચાર કરવો પડ્યો હતો.

શિક્ષણજગતનું માનવું છે કે ધોરણ 12ના ગુણ કરોડો વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી માટે નિર્ણાયક હોય છે. તેથી બોર્ડની જવાબદારી માત્ર આધુનિકીકરણ લાવવાની નથી, પરંતુ નવી પદ્ધતિ વિદ્યાર્થીઓને ન્યાયી અને વિશ્વસનીય પરિણામ આપે છે તે સાબિત કરવાની પણ છે.

Most Popular

To Top