Kids

બાળક એના વર્ગની વય કરતાં નાનું હોય તો…

ત્રો, ફરી નવું શૈક્ષણિક વર્ષ 2024-2025 શરૂ થયું છે અથવા જૂનમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવી શિક્ષણનીતિ (NEP-2020) પ્રમાણે 6+ની ઉંમરવાળાને ધો.1માં પ્રવેશ મળશે. એટલે જૂન પછી ખાસ કરીને oct/Nov/Dec.માં જન્મેલા વાલીઓ દ્વિધામાં છે કે હવે શું કરવું? એક વર્ષ બગાડવું? ધો.1માં પ્રવેશ ન મળે તો?? ના વિવિધ રસ્તાઓ વિશે વિચારીને યેનકેન પ્રકારે રસ્તો કાઢવાની તજવીજમાં લાગી ગયા છે.
મોનીલ ધો.8માંથી 9મા ધોરણમાં જઈ રહ્યો છે. મોનીલ સરેરાશ ટકાવારી કરતાં ઓછા ટકા લાવે છે, લગભગ 50%ની આજુ-બાજુ. એ અભ્યાસ કરતા ક્યાંક માનસિક રીતે ખોવાઈ જાય છે. (Mentally absent) છેલ્લાં એક વર્ષથી એને ઓછી ટકાવારીથી કોઈ ફરક પડતો નથી. કોઈ reaction આપતો નથી. CBSE બોર્ડમાં હોવાથી, વાલી એવું વિચારતાં હતા કે ક્યાંક લખવાની ઝડપ ઓછી હોવાથી પેપર પૂરું ન થતું હોય? તો શાળાના શિક્ષકો સાથે પરામર્શ કરવામાં આવ્યું કે એને વધુ સમય આપવાની શક્યતા કેટલી? તો શિક્ષકોએ એમનું નિરીક્ષણ શેર કર્યું કે મોનીલ તો પરીક્ષાના સમય કરતાં પહેલાં જ પેપર લખવાનું કાર્ય પતાવી દે છે માટે વધુ સમય આપવાની જરૂરિયાત ઊભી થતી નથી. આ બાજુ કાઉન્સેલરનો સંપર્ક કરવામાં આવતાં વિવિધ પાસાંઓનું પૃથક્કરણ કરાતાં જાણવા મળ્યું કે મોનીલ એના વર્ગમાં 10 મહિના નાનો છે એટલે ધો.7નું ગયા વર્ષનું ગણિતનું પેપર સોલ્વ કરાવવામાં આવ્યું તો ગયા વર્ષ કરતાં સારું પર્ફોર્મન્સ જાણવામાં આવ્યું. જે એક મહત્ત્વનું નિર્દેશક પરિબળ બને છે. હવે મોનીલ અને માતા-પિતા સાથે બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી, એક તો મોનીલને અન્ય શાળામાં ખસેડી ધો.8 રીપીટ કરાવાય અથવા તો CBSEમાંથી ગુજરાત બોર્ડમાં ધો.8માં પ્રવેશ લેવાય. મોનીલની લર્નિંગ ડિસએબીલીટી તથા IQ ટેસ્ટ કરાવાયા છે. IQ નોર્મલ રેન્જમાં છે અને લર્નિંગ ડિસએબીલીટી નથી. હવે ઉપરોક્ત જણાવેલ બંને વિકલ્પો માટે વાલી તથા વિદ્યાર્થી તૈયાર ન થયા. જેની અસર કદાચ શૈક્ષણિક કારકિર્દી પર જોવા મળી શકે છે.
વર્ગમાં નાની વય (underage) હોવાને કારણે કેટલાક સંભવિત ગેરફાયદાઓ:
વિકાસાત્મક તફાવતો:-
અન્ય સાથીઓ જેટલા ભાવનાત્મક અથવા સામાજિક રીતે આ બાળકો પરિપક્વ ન હોય જે સામાજિક પરિસ્થિતિઓમાં નેવિગેટ કરવાની અથવા શૈક્ષણિક દબાણને હેન્ડલ કરવાની તેમની ક્ષમતાને અસર કરી શકે છે. નાની વય હોવાને કારણે ભણાવવામાં આવતી બધી જ વિભાવનાઓ એ સમયે સમજણ ન પડે તેથી લેખન, વાંચન કાર્યને વિપરીત અસર પહોંચી શકે છે.
અયોગ્યતાની લાગણી:
આવા વિદ્યાર્થીઓ તેમના સહપાઠીઓની સરખામણીમાં અપૂરતો અથવા ઓછો આત્મવિશ્વાસ અનુભવી શકે છે કેમ કે તેઓ પોતે શૈક્ષણિક અને સામાજિક રીતે સમકક્ષ ન હોવાનું માને છે. કોઈ પણ હરીફાઈમાં ભાગ લેવા માટે નિરુત્સાહી હોય છે. વર્ગમાં આગળ આવી જવાબ આપવા માટે પણ શરૂઆત/ પ્રયત્ન ન કરતાં જોવા મળે છે. પોતાની જાતને ‘isolate’ કરવા માંડે છે.
શારીરિક તફાવતો-
શારીરિક તફાવતો તો બાળકો વચ્ચે રહેવાના જ, છતાં રમતગમત અથવા શારીરિક જૂથ પ્રવૃત્તિઓમાં મર્યાદિત પ્રમાણમાં ભાગ લેવાનું પસંદ કરે છે. મોનીલ પોતે એકલા રમી શકાય એવી રમતો પસંદ કરે છે. પિયાનો વગાડવાનું, ઘરે ચેસ રમવાનું, શાળામાં ક્રિકેટમાં ભાગ લે છે પણ બહુ એક્ટીવ રહેતો નથી.
ઝડપ ટકાવી રાખવાનું દબાણ:-
નાની વયના વિદ્યાર્થીઓ વર્ગની ગતિ સાથે ઝડપ ટકાવી રાખવા માટે માનસિક દબાણનો અનુભવ કરતા હોય છે. તેઓ અન્ય સાથીઓની જેમ ઝડપથી ખ્યાલોને સમજવા માટે સંઘર્ષ કરે જે સંભવિત રીતે તણાવ તરફ લઈ જાય છે.
મર્યાદિત નેતૃત્વની તકો:
જૂથ પ્રોજેક્ટ કે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં, નાની વયના વિદ્યાર્થીઓને નેતૃત્વની ભૂમિકાઓ અથવા જવાબદારીઓ નિભાવવાની ઓછી તકો મળતી હોય છે. બાળક જ્યારે નાની વય (underage) ધરાવતું ત્યારે માતા-પિતાએ ચર્ચા-વિચારણા કરતી વખતે- બાળકના શારીરિક, ભાવનાત્મક વિકાસ વિશે માહિતગાર થવું જોઈએ. બહુ નાની વયમાં મોટર મસલ્સ (muscles) કુશળતા વિકસિત ન થતાં, પોતાના શૈક્ષણિક કાર્યને હેન્ડલ કરવામાં, માહિતી ક્રોમ્પીહેન્ડ કરવામાં, એની પ્રક્રિયા કરવામાં તકલીફોનો સંભવિત સામનો કરવો પડે છે.
મિત્રો, પ્રી-પાયમરીમાં કદાચ વર્ષ રીપીટ કરાવી, અપેક્ષિત ઉંમરે લાયકાત ધરાવી જેતે વર્ગમાં પ્રવેશ લેવાથી બાળકોનો શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક વિકાસ શૈક્ષણિક કાર્યની પ્રક્રિયા માટે એને સજ્જ કરશે. જે ઉચ્ચ શિક્ષણકાર્યમાં ખૂબ જ હકારાત્મક રીતે મદદરૂપ થશે.
જ્યારે સામાન્ય બુધ્ધિઆંક ધરાવતું બાળક એના વર્ગની સરેરાશ વય કરતાં ઘણું નાનું હોય (પાંચ-છ મહિનાનો ફરક) ત્યારે એણે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે એના માટે નકારાત્મક પરિબળોનું વાતાવરણ સર્જે છે. અતિ બુદ્ધિશાળી (genius) બાળકોને અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે.

Most Popular

To Top