World

માલદીવ ઘૂંટણિયે પડ્યું, ટુરિઝમને બચાવવા ભારતની જ મદદ માંગી

નવી દિલ્હી(NewDelhi): ભારતીય પ્રવાસીઓના (Indian Tourist) બહિષ્કાર (Boycott) બાદ માલદીવના (Maldives) પ્રવાસન ઉદ્યોગની (Tourism Industry) હાલત ખરાબ છે, જેના કારણે ટાપુ દેશની ટુરિઝમ એન્ડ ટ્રાવેલ એસોસિએશને ભારતને માલદીવના પ્રવાસન ઉદ્યોગને બચાવવા અપીલ કરી છે.

માલદીવ એસોસિયેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટુર ઓપરેટર્સ (MATATO) એ સોમવારે તા. 8 એપ્રિલે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે માલદીવમાં ભારતીય હાઈ કમિશનર (Indian High Commissioner) મુનુ મહાવરને મળ્યા હતા. એસોસિએશને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય હાઈ કમિશન સાથે નજીકથી સહયોગ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.

એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માલદીવમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે તે ભારતના મોટા શહેરોમાં એક વ્યાપક રોડ શો શરૂ કરવાની અને ઈન્ફ્લુએન્સર અને મીડિયા પરિચિતોને આગામી મહિનાઓમાં માલદીવની મુલાકાતની સુવિધા આપવાનું આયોજન કરી રહ્યું છે.

માલદીવમાં ભારતીય પ્રવાસીઓ સતત ઘટી રહ્યા છે
માલદીવના પ્રવાસન ઉદ્યોગને ત્યારે મોટો ફટકો પડ્યો જ્યારે જાન્યુઆરીમાં લક્ષદ્વીપને (Lakshadweep) પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવામાં આવ્યા બાદ માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી (PM Modi) વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી (Rude comment) કરી હતી.

જો કે, માલદીવ સરકારે (Government of Maldives) ડેમેજ કંટ્રોલ (Damage control) માટે ત્રણેય મંત્રીઓને હટાવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ભારતીયોના એક મોટા સમૂહે માલદીવના પ્રવાસનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારથી માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

આ પહેલા માલદીવ પહોંચનારા પ્રવાસીઓમાં સૌથી વધુ ભારતીયો હતા. કોરોના (Corona) પછી જ્યારે માલદીવ ખોલવામાં આવ્યું ત્યારે પણ ભારતીયો સૌથી વધુ માલદીવ પહોંચ્યા હતા. પરંતુ જાન્યુઆરીના છેલ્લા ત્રણ સપ્તાહમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં 2 લાખથી વધુ ભારતીયોએ દર વર્ષે માલદીવની મુલાકાત લીધી હતી, જે કોવિડ (Covid19) પછીના કોઈપણ દેશ માટે સૌથી વધુ છે. 2023માં 17 લાખથી વધુ પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી, જેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો હતા (2,09,198). તેઓ પછી રશિયનો (2,09,146) અને ચાઈનીઝ (1,87,118) હતા.

Most Popular

To Top