SURAT

સુરતની કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પાસ થયેલી યુવતી બસ ડ્રાઈવરના પ્રેમમાં ફસાઈ

સુરત(Surat): કોમ્પ્યુટર એન્જિનિયરિંગ (Computer Engineering) પાસ યુવતીને એસટી બસના (ST Bus) ડ્રાઈવર (Driver) સાથે દોસ્તી કરવાનું ભારે પડ્યું છે. મીઠી મીઠી વાતોમાં ભોળવી ડ્રાઈવરે યુવતી સાથે દુષ્કર્મ કર્યું. લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ જ્યારે યુવતીને ગર્ભ રહ્યો ત્યારે ઠંડા પીણામાં દવા પીવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો. લંપટ ડ્રાઈવરની પોલ ખુલ્લી પડતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પોલિટેક્નિકલ કોલેજમાં કોમ્પ્યુટર એન્જનિયરિંગ પાસ કરનાર યુવતી એસટી બસના ડ્રાઈવરના પ્રેમજાળમાં ફસાઈ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. બીઈ કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીને લગ્નની લાલચ આપી 35 વર્ષીય ડ્રાઈવરે શારીરિક સંબંધો બાંધ્યા છે. યુવતીને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે ડ્રાઈવરે લગ્ન કરવાનો ઈનકાર કરી દેતા મામલો અઠવા પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદ લઈ અઠવા પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી છે.

આ કેસની વધુમાં મળતી વિગત અનુસાર સુરતની પોલિટેકનિક કોલેજમાં ભણતી યુવતી અવારનવાર વતન આહવા જતી હતી. દરમિયાન બસમાં તેની મુલાકાત બસ ડ્રાઈવર મહેન્દ્ર જીવલુ ભોયા (ઉં.વ. 35, રહે. વાંસદા) સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યાર બાદ ડ્રાઈવરે યુવતીનો મોબાઈલ નંબર લીધો હતો.

બંને વચ્ચે મોબાઈલ પર વાત થતી હતી. ડ્રાઈવર અઠવા ગેટ આઈટીસી બિલ્ડિંગ સાથે યુવતીને મળવા પણ આવતો હતો. મિત્રતા ઘનિષ્ઠ બન્યા બાદ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. મહેન્દ્ર લગ્નની લાલચ આપી ગુપ્ત રીતે વારંવાર વાંસદા પાસેના ગેસ્ટહાઉસમાં લઈ જઈ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. વારંવારના શારીરિક સંબંધને લીધે યુવતી ગર્ભવતી થઈ હતી. આ વાતની જાણ થતાં મહેન્દ્રએ ઠંડા પીણામાં દવા આપી યુવતીનો ગર્ભ પડાવી દીધો હતો.

યુવતીને બાદમાં જાણ થઈ કે, મહેન્દ્ર ભોયાના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. આ અંગે ખુલાસો પૂછતા મહેન્દ્રએ યુવતીને માર માર્યો હતો. જે થાય એ કરી લેવા માટે ધમકી આપી હતી. વારંવારના ઝઘડા બાદ પણ સમજાવી પટાવી મહેન્દ્ર યુવતીને વારંવાર ભોગવતો હતો. પ્રેમમાં અંધ યુવતીએ ડ્રાઈવર મહેન્દ્રનો ત્રાસ સહન કર્યે રાખ્યો હતો.

યુવતીના પિતા સફાઈ કામદાર છે. દીકરીના પ્રેમસંબંધ અંગે જાણ થતા પિતાએ ડ્રાઈવરના ગામના સરપંચને વાત કરી મહેન્દ્રને લગ્ન માટે સમજાવવા કહ્યું હતું, પરંતુ મહેન્દ્રએ ઈનકાર કરી દીધો હતો. આખરે આ સમગ્ર મામલો અઠવા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવતીએ ડ્રાઈવર મહેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે મહેન્દ્રની ધરપકડ કરી છે.

Most Popular

To Top