Vadodara

વાઘોડિયા રોડ પર નશામાં ધૂત કારચાલકનો કહેર: ત્રણ વાહનોને ટક્કર, સદનસીબે જાનહાનિ ટળી

ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટનામાં ટોયોટા કારચાલક ફરાર, સાથીને લોકોએ ઝડપી પાડ્યો
વાઘોડિયા: વડોદરા–વાઘોડિયા રોડ પર જીઆઇડીસી નજીક મુન્જલ ઓટો કંપની સામે આજે વહેલી સવારે નશાની હાલતમાં કાર ચલાવતા એક ટોયોટા કારચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ચારેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

મળતી માહિતી મુજબ, વડોદરાથી વાઘોડિયા તરફ જઈ રહેલી ટોયોટા કારમાં ખેતરમાં દવા છાંટવા માટેનો ડ્રોન લઈ જવામાં આવી રહ્યો હતો. કારચાલક નશાની હાલતમાં હોવાને કારણે પુરપાટ ઝડપે વાહન હંકારી આગળ જઈ રહેલી વેગેનાર કારને ટક્કર મારી હતી. ટક્કરની અસરથી વેગેનાર રોડના ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી.

આ પછી ટોયોટા કાર બેકાબૂ બની રોડ પર ગડથોળીયા ખાતી મુન્જલ ઓટો કંપની નજીક ઊભેલી ઇકો કાર સાથે અથડાઈ હતી. આ અથડામણમાં ઇકો કાર વરસાદી કાંસામાં ખાબકતા ખાબકતા બચી ગઈ હતી. આ દરમિયાન ઇકો કારની આગળ ઉભેલો એક બાઈકચાલક પણ ટક્કરના કારણે બાઈક સાથે નીચે પડી ગયો હતો. અકસ્માતમાં તમામ વાહનોને ભારે નુકસાન થયું હતું.

અકસ્માત બાદ સ્થાનિક લોકોના રોષથી બચવા ટોયોટા કારનો ચાલક ઘાયલ હાલતમાં લંગડાતો સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ સાઇડ પર ખસેડી ટ્રાફિક ફરી શરૂ કરાવ્યો હતો. એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા થોડો સમય માટે વાહનવ્યવહાર ડાયવર્ટ કરવો પડ્યો હતો.
પોલીસ દ્વારા ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.

રિપોર્ટર: બજરંગ શર્મા

Most Popular

To Top