World

અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ફ્રોડનો મોટો કેસ, ભારતમાંથી ચાલતી કંપનીઓ પણ રડારમાં

અમેરિકામાં અભ્યાસ કરતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાતો OPT (Optional Practical Training) કાર્યક્રમ હવે વિવાદોમાં ઘેરાયો છે. અમેરિકાની ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ લગભગ 10 હજાર વિદેશી વિદ્યાર્થીઓ સામે તપાસ શરૂ કરી છે. આ વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકન એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઘણા વિદ્યાર્થીઓ એવી કંપનીઓમાં કામ કરતા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જ્યાં હકીકતમાં કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ જ ચાલી રહી નહોતી. તપાસ દરમિયાન અમેરિકાના અનેક રાજ્યોમાં શેલ કંપનીઓ અને ઘોસ્ટ ઓફિસોનો ભંડાફોડ થયો છે. અધિકારીઓએ જ્યારે કેટલાક સરનામાંની તપાસ કરી ત્યારે ત્યાં બંધ બિલ્ડિંગ, ખાલી ઓફિસો અથવા સામાન્ય રહેણાંક મકાનો જોવા મળ્યા હતા. ચોંકાવનારી બાબત એ હતી કે એક જ સરનામા પર ઘણી અલગ-અલગ કંપનીઓ નોંધાયેલી હતી. કેટલીક કંપનીઓના નામે તો સૈંકડો વિદ્યાર્થીઓ કામ કરતા હોવાનું રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે કંપનીમાં વાસ્તવમાં માત્ર બે કે ત્રણ કર્મચારીઓ જ હતા.

અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક કેસોમાં અમેરિકામાં નોંધાયેલી કંપનીઓનું સંપૂર્ણ સંચાલન ભારતમાંથી થઈ રહ્યું હતું. OPTના નિયમો મુજબ વિદ્યાર્થીને અમેરિકાની રજિસ્ટર્ડ કંપનીમાં જ તાલીમ અને કામ કરવાની મંજૂરી હોય છે અને તેનું સુપરવિઝન પણ અમેરિકામાંથી થવું જરૂરી છે. પરંતુ તપાસમાં સામે આવ્યું કે અનેક કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી. ICEના કાર્યકારી ડિરેક્ટર ટોડ લિઓન્સે OPT કાર્યક્રમને ગેરરીતિઓ માટેનું કેન્દ્ર ગણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો આ પ્રોગ્રામનો ઉપયોગ માત્ર અમેરિકામાં લાંબા સમય સુધી રહેવા માટે કરી રહ્યા છે. આ મામલામાં નાણાકીય ગેરવહીવટ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પણ સામે આવ્યા છે, જેના કારણે તપાસ વધુ ગંભીર બની ગઈ છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે OPT ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ કાર્યક્રમ હેઠળ કામનો અનુભવ મેળવે છે. ખાસ કરીને STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓને OPT હેઠળ કુલ ત્રણ વર્ષ સુધી અમેરિકામાં કામ કરવાની તક મળે છે. આ સમયગાળો તેમને અમેરિકન કોર્પોરેટ કલ્ચર સમજવામાં અને ભવિષ્યમાં H-1B વિઝા મેળવવામાં મદદરૂપ બને છે.

આંકડા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં 68 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ OPT હેઠળ અમેરિકામાં કામ કરી રહ્યા હતા. એમેઝોન, ગૂગલ, માઈક્રોસોફ્ટ અને ડેલોઈટ જેવી મોટી કંપનીઓ પણ OPT ઉમેદવારોને નોકરી આપતી રહી છે. જોકે હાલના વિવાદ બાદ અમેરિકી સરકાર આ કાર્યક્રમના નિયમોને વધુ કડક બનાવવાની તૈયારીમાં છે. 2026માં અમેરિકન ઇમિગ્રેશન વિભાગે નવા નિયમો અમલમાં મૂક્યા છે, જેમાં વિદ્યાર્થીઓએ માત્ર સત્તાવાર રીતે નોંધાયેલ અને સક્રિય કંપનીઓમાં જ કામ કરવું ફરજિયાત બનાવાયું છે. આ ઉપરાંત કંપનીની કામગીરી, કર્મચારીઓની સંખ્યા અને ઓફિસની વાસ્તવિક હાજરી પણ ચકાસવામાં આવશે. આ સમગ્ર મામલા બાદ અમેરિકામાં રાજકીય ચર્ચા પણ તેજ બની છે. ઘણા રિપબ્લિકન નેતાઓ OPT કાર્યક્રમ પર વધુ નિયંત્રણ લાવવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ અમેરિકાની યુનિવર્સિટીઓ અને ટેક કંપનીઓનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની અર્થવ્યવસ્થા અને ટેક સેક્ટર માટે મહત્વપૂર્ણ છે. હાલમાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓ સામે સીધી કાર્યવાહી થશે તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ આ તપાસના કારણે અમેરિકામાં અભ્યાસ અને નોકરીનું સપનું જોતા હજારો વિદ્યાર્થીઓમાં ચિંતા વધી ગઈ છે.

Most Popular

To Top