Entertainment

દિલજીત દોસાંઝના મેનેજરના ઘરની બહાર ફાયરિંગ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

હરિયાણાના કરનાલ જિલ્લાના ગોંડેર ગામમાં પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના મેનેજર ગુરપ્રતાપ સિંહ કાંગના ઘરની બહાર ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. બુધવારે સવારે ઘટનાસ્થળેથી બે ખાલી કારતૂસ મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હરિયાણા પોલીસે હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે વધુ માહિતી જાહેર કરી નથી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. ગેંગ તરફથી ટાયસન બિશ્નોઈ, આરઝૂ બિશ્નોઈ અને હરિ બોક્સરના નામે પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગોળીબારમાં ઓસ્ટ્રિયામાં બનેલા હથિયારોનો ઉપયોગ થયો હતો. ગેંગે આ હુમલાને દિલજીત દોસાંઝ અને તેમની ટીમ માટે ત્રીજી ચેતવણી ગણાવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અગાઉ પણ ગાયક અને તેની ટીમને બે વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ અસરકારક જવાબ મળ્યો નહોતો.

સોશિયલ મીડિયા પોસ્ટમાં દિલજીત દોસાંઝની ટીમના એક સભ્ય પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. ગેંગના દાવા મુજબ, ગાયકના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમના એક સભ્યએ મહિલાઓ સાથે ગેરવર્તન અને હેરાનગતિ કરી હતી. એક મહિલાને ખોટા વચનો આપીને ગેરમાર્ગે દોરવાનો અને પછી સંપર્ક તોડી નાખવાનો આરોપ પણ પોસ્ટમાં કરવામાં આવ્યો હતો. ગેંગે એવો પણ દાવો કર્યો કે અન્ય મહિલાઓ તરફથી પણ સમાન પ્રકારની ફરિયાદો મળી હતી. પોસ્ટમાં ખાસ કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગેંગે દિલજીત દોસાંઝ અથવા તેમની ટીમ પાસેથી કોઈ ખંડણી કે નાણાકીય લાભ માંગ્યો નથી. તેમનું કહેવું હતું કે ચેતવણીનો હેતુ માત્ર ગાયક અને તેમના મેનેજરોને આરોપી વ્યક્તિથી દૂર રહેવા માટે દબાણ કરવાનો હતો. ગેંગે આગળ ધમકી આપતા જણાવ્યું હતું કે જો તેમની ચેતવણીને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો પરિણામો ભોગવવા પડશે. પોસ્ટમાં ગેંગે પોતાનું વૈશ્વિક નેટવર્ક હોવાનો પણ દાવો કર્યો હતો.

આ ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ તેજ બની ગઈ છે. પંજાબની AAP સરકારે હરિયાણાની ભાજપ સરકાર પર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા હરિયાણાની સુરક્ષા વ્યવસ્થાની ટીકા કરી હતી. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. તેમણે પૂછ્યું કે આવી ઘટનાઓ પાછળ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે. જોકે, હરિયાણા પોલીસના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર મામલો હજુ તપાસ હેઠળ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં સુધી કોઈ પ્રત્યક્ષદર્શી સામે આવ્યો નથી. ગામના કેટલાક રહેવાસીઓએ પણ પોલીસને જણાવ્યું હતું કે તેમણે રાત્રે ગોળીબારનો કોઈ અવાજ સાંભળ્યો નહોતો. પોલીસ હવે સોશિયલ મીડિયા પોસ્ટ, સ્થળ પરથી મળેલા પુરાવા અને સ્થાનિક માહિતીના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

Most Popular

To Top