રીલાયન્સના કર્મચારી અને પડોશી પરિવારનો વિશ્વાસ જીતી લાખો રૂપિયા ખંખેર્યા, ભાયલીમાં પ્લોટ અને સોલાર ટેન્ડરની લાલચ આપનાર મહિલા સહિત બે આરોપી ફરાર
વડોદરા તા.13
વડોદરામાં એક ભાડૂઆતે પોતાના મકાનમાલિક અને તેમના પડોશી પરિવારને જ નિશાન બનાવી કરોડપતિ બનવાના સપના બતાવી રૂ.38.64 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. પ્લોટમાં મોટો નફો અને સોલાર પેનલના ટેન્ડર અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા બાદ આરોપી દંપતી રાતોરાત ગાયબ થઈ જતાં ભોગ બનનાર પરિવારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે અને તેઓએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.
વડોદરાના ઉંડેરા રોડ પર આવેલી કૃષ્ણદીપ સોસાયટીમાં રહેતા અને રીલાયન્સ કંપનીના ફાયર વિભાગમાં ફરજ બજાવતા બકુલભાઈ હીરાભાઈ રાઠવા માટે તેમના જ ભાડૂઆત વિજયભાઈ કસુભાઈ ડામોર પરનો વિશ્વાસ ભારે મોંઘો સાબિત થયો છે. રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા વિજય ડામોરે મૈત્રીપૂર્ણ સંબંધોનો લાભ લઈ બકુલભાઈને ભાયલી વિસ્તારમાં સસ્તા ભાવે પ્લોટ અપાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
વિજયે ભાયલી ખાતે પ્લોટ બતાવી તેને ભવિષ્યમાં ભારે નફાકારક રોકાણ ગણાવ્યું હતું. તેની વાતોમાં આવી બકુલભાઈએ પ્લોટ ખરીદવા સંમતિ આપી હતી. ત્યારબાદ રોકડ, ચેક અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે વિવિધ હપ્તાઓમાં રૂ.34.52 લાખ ચૂકવ્યા હતા. જોકે, સમય પસાર થવા છતાં પ્લોટના દસ્તાવેજો મળ્યા ન હતા અને તપાસ કરતાં આખો સોદો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું.
તપાસમાં બહાર આવ્યું કે પ્લોટના માલિક તરીકે રજૂ કરાયેલા વ્યક્તિ પણ વિજયનો જ નજીકનો સગો હતો. બીજી તરફ, આરોપીએ પડોશમાં રહેતા રમેશભાઈ રાઠવા અને તેમના પુત્ર કુલદીપને સોલાર પેનલના ટેન્ડર અપાવવાની લાલચ આપી તેમની પાસેથી પણ રૂ.4.12 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. ઉપરાંત કુલદીપ પાસેથી રૂ.82 હજારથી વધુ કિંમતનું એપલ લેપટોપ લઈ પરત ન કર્યું ન હતુ.
આ રીતે વિજય ડામોર અને તેની પત્ની વૈભવીબેન પારગીએ મળીને રૂ. 38.64 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. નાણાં અને લેપટોપ પરત ન કરી આરોપી દંપતી ફરાર થઈ જતાં ભોગ બનનાર પરિવારે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.