પરંપરાગત વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્યની મજા માણી
સુસ્કાલ ગામે આદિવાસી સંસ્કૃતિનો મહામેળો
: પરંપરાગત વેશભૂષા, ટીમલી નૃત્ય અને ધાર્મિક વિધિઓથી ખીલી ઉઠ્યું સુસ્કાલ ગામ
પ્રતિનિધિ, બોડેલી
છોટાઉદેપુર જિલ્લાના સુસ્કાલ ગામે લગભગ 70 વર્ષ બાદ આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક ગણાતા ‘ગામ સાઈ ઈન્દ’ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પેઢીઓથી જળવાતી આ પરંપરાગત ઉજવણીને નિહાળવા માટે સુસ્કાલ સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર ગામ ધાર્મિક અને સાંસ્કૃતિક રંગે રંગાઈ ગયું હતું.
આ પર્વ માત્ર ધાર્મિક ઉજવણી નહીં પરંતુ આદિવાસી સમાજની જીવનશૈલી, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેની આસ્થાનું જીવંત પ્રતિબિંબ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. પર્વ દરમિયાન ગામના દેવી-દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃતિ માતાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સાથે જ દેવોની ‘પેઢી બદલવા’ની પ્રાચીન વિધિ પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવી હતી.

સુસ્કાલ ગામના ચોકમાં પૂજારીઓ દ્વારા દેવોના નવા ઘોડાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ અવસરે આદિવાસી ભાઈઓ અને બહેનો પરંપરાગત વેશભૂષા અને આભૂષણોથી સજ્જ થઈ ઉત્સવમાં જોડાયા હતા. ઢોલ-નગારા અને તીરકામઠાના નાદ વચ્ચે યુવાનો દ્વારા રજૂ કરાયેલા પરંપરાગત ‘ટીમલી’ નૃત્યે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મેળામાં આદિવાસી સંસ્કૃતિ દર્શાવતા સેલ્ફી પોઇન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં યુવાનોની ભારે ભીડ જોવા મળી હતી. 13 મેના રોજ યોજાયેલા મુખ્ય મેળામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના હરિભાઈ કાતરીયા સહિત સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિશાળ પર્વને સફળ બનાવવા માટે સુસ્કાલ ગામના સરપંચ, યુવાનો અને વડીલો છેલ્લા બે મહિનાથી સતત તૈયારીઓમાં જોડાયેલા હતા. તેમની મહેનતના પરિણામે આ ઐતિહાસિક પર્વ ભવ્ય સફળતા પ્રાપ્ત કરતું ગામમાં અનેરો ઉત્સાહ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો.
રિપોર્ટર : રિયાઝ સૈયદ