Trending

AIની જંગ હવે રોબોટ્સ સુધી પહોંચી, OpenAI અને ટેસ્લા આમને-સામને

ટેકનોલોજીની દુનિયામાં ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચેની હરીફાઈ હવે નવા તબક્કામાં પ્રવેશી રહી છે. OpenAI સામેનો કાનૂની વિવાદ શાંત પડ્યા બાદ હવે બંને દિગ્ગજો રોબોટિક્સના ક્ષેત્રમાં સીધી ટક્કર માટે તૈયાર થઈ રહ્યા છે. ChatGPT બનાવનાર OpenAIએ જાહેરાત કરી છે કે કંપની હવે AI આધારિત અદ્યતન રોબોટ્સ વિકસાવવાના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ઇલોન મસ્ક લાંબા સમયથી ટેસ્લાના હ્યુમનોઇડ રોબોટ Optimusને ભવિષ્યની સૌથી મહત્વપૂર્ણ ટેક્નોલોજી તરીકે રજૂ કરી રહ્યા છે. મસ્કનું માનવું છે કે Optimus ભવિષ્યમાં ઘરેલુ કામકાજથી લઈને ઔદ્યોગિક કામગીરી સુધી અનેક ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકે છે. હવે OpenAIની એન્ટ્રીથી આ ક્ષેત્રમાં સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની છે.

OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર કંપની એવા AI-પાવર્ડ રોબોટ્સ તૈયાર કરવા માંગે છે, જે માત્ર વાતચીત કે સૂચનાઓ સમજવામાં જ નહીં, પરંતુ વાસ્તવિક દુનિયામાં વિવિધ કાર્યો કરવામાં પણ સક્ષમ હોય. કંપનીનું પ્રથમ ધ્યાન એવા રોબોટ્સ પર રહેશે જે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક કામગીરીમાં માનવ કર્મચારીઓને મદદ કરી શકે. જોકે, OpenAIનું વિઝન માત્ર ઉદ્યોગો સુધી મર્યાદિત નથી. કંપની ભવિષ્યમાં એવા પર્સનલ રોબોટ્સ પણ વિકસાવવા માંગે છે, જે સામાન્ય લોકોના રોજિંદા કામ સરળ બનાવી શકે. ઘરકામ, વ્યવસ્થાપન, સહાયક કામગીરી અને અન્ય ઘણી જવાબદારીઓ આવા રોબોટ્સ સંભાળી શકે તેવો OpenAIનો લાંબા ગાળાનો પ્લાન હોવાનું માનવામાં આવે છે.

આ પ્રોજેક્ટ OpenAIની અદ્યતન AI અને સિમ્યુલેશન ટેક્નોલોજી પર આધારિત છે. કંપનીએ રોબોટિક્સ ક્ષેત્ર માટે વિશ્વભરના નિષ્ણાતોની ભરતી શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પગલું દર્શાવે છે કે OpenAI રોબોટિક્સને ભવિષ્યના સૌથી મોટા વિકાસ ક્ષેત્રોમાંથી એક માની રહી છે. ટેક વિશ્લેષકોનું માનવું છે કે આ માત્ર બે કંપનીઓ વચ્ચેની વ્યાવસાયિક સ્પર્ધા નથી. OpenAI અને ટેસ્લા વચ્ચેની હરીફાઈ પાછળ ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે વર્ષોથી ચાલતી વિચારધારાની અને નેતૃત્વની સ્પર્ધા પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

એક તરફ મસ્ક Optimusને ભવિષ્યના કરોડો રોબોટ્સના નેટવર્ક તરીકે રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ OpenAI પોતાના શક્તિશાળી AI મોડલ્સના આધારે વધુ બુદ્ધિશાળી અને અનુકૂળ રોબોટ્સ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો OpenAI તેના AI મોડલ્સની ક્ષમતાને સફળતાપૂર્વક રોબોટિક્સ સાથે જોડવામાં સફળ રહેશે, તો તે ટેસ્લા માટે મોટો પડકાર બની શકે છે. આગામી વર્ષોમાં AI અને રોબોટિક્સનું સંયોજન ટેક્નોલોજી ક્ષેત્રની સૌથી મોટી રેસ બની શકે છે. હાલમાં તો સ્પષ્ટ છે કે ChatGPT બાદ OpenAI હવે માત્ર સોફ્ટવેર કંપની બની રહેવા માંગતી નથી, પરંતુ રોબોટિક્સના ભવિષ્યમાં પણ પોતાનું મજબૂત સ્થાન બનાવવા માટે તૈયારી કરી રહી છે.

Most Popular

To Top