Dabhoi

સ્વચ્છ ભારત મિશનની ડભોઈ નગરપાલિકાને નોટિસ, સ્વચ્છતા મામલે તંત્રમાં દોડધામ

સરપ્રાઈઝ નિરીક્ષણમાં કચરાના ઢગલા, ગંદકી અને જાહેર શૌચાલયોની જાળવણીમાં ગંભીર ક્ષતિઓ સામે આવી
બે દિવસમાં ATR અને પહેલાં-પછીના ફોટા રજૂ કરવા આદેશ, સમયમર્યાદા છતાં જવાબ નહીં

ડભોઈ, તા. 5
ડભોઈ નગરપાલિકાની સ્વચ્છતા વ્યવસ્થાને લઈને સ્વચ્છ ભારત મિશન (અર્બન) ગુજરાત દ્વારા નોટિસ પાઠવવામાં આવતા નગરપાલિકા તંત્રમાં હડકંપ મચી ગયો છે. સરકાર તરફથી સ્વચ્છતા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા છતાં શહેરમાં ગંદકી અને સફાઈ વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવતાં તંત્રને ખુલાસો આપવા તાકીદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, 25 ઓગસ્ટ, 2026ના રોજ શહેરી વિકાસ વિભાગના સચિવના અધ્યક્ષસ્થાને વડોદરા ઝોનના કમિશનરો અને તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો સાથે સ્વચ્છતા અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મળેલા સૂચન અનુસાર સ્વચ્છતા ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વડોદરા ઝોનની ડભોઈ નગરપાલિકાની સરપ્રાઈઝ ફિલ્ડ વિઝિટ હાથ ધરવામાં આવી હતી.
29 ઓગસ્ટે કરાયેલા નિરીક્ષણ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા, ઘન કચરાનો ભરાવો, રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાં અપૂરતી સફાઈ, રસ્તાઓ પર સમયસર કચરો ન ઉપાડાતો હોવાની સ્થિતિ તેમજ જાહેર શૌચાલયોની અસંતોષકારક સફાઈ અને જાળવણી જેવી ગંભીર ક્ષતિઓ નોંધાઈ હતી.
આ અવલોકનોના આધારે સ્વચ્છ ભારત મિશન દ્વારા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને દરેક મુદ્દે યોગ્ય ખુલાસો, કરાયેલી સુધારાત્મક કામગીરીનો ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પહેલાં અને પછીના ફોટોગ્રાફ બે દિવસમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા છતાં નગરપાલિકા તરફથી જરૂરી કાર્યવાહી અને ખુલાસો રજૂ કરવામાં આવ્યો નથી.
ઉપરાંત, 21 જુલાઈ, 2026ના રોજ કરાયેલી અગાઉની મુલાકાતનો ATR પણ આજદિન સુધી રજૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે ડભોઈ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે અને હવે પ્રાદેશિક કમિશનર તથા સ્વચ્છ ભારત મિશન (અર્બન) દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

રિપોર્ટર: દીપક જોશી

Most Popular

To Top