Vadodara

PM મોદીના આગમન પહેલા વડોદરામાં ‘સેવા સેતુ’નો સેવાયજ્ઞ: ચારેય ઝોનમાં એક જ સ્થળે મળશે સરકારી યોજનાઓનો લાભ

વડોદરા શહેરમાં પ્રિ-ઈવેન્ટ અંતર્ગત VMCનું આયોજન; સફાઈ સપ્તાહ સાથે નાગરિકલક્ષી સેવાઓનો પણ ધમધમાટ

વડોદરા, તા.5 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમન પૂર્વે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રિ-ઈવેન્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં સફાઈ સપ્તાહની કામગીરીની સાથે ચારેય ઝોનમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવા માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળેથી મહત્તમ સરકારી સેવાઓનો લાભ મળી રહે, તે હેતુથી સેવા સેતુ કેમ્પનું આયોજન કરાયું છે.
સેવા સેતુ કેમ્પમાં વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી, લાભ મેળવવા માટેની પ્રક્રિયા તેમજ નાગરિકોને જરૂરી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પહેલના કારણે નાગરિકોને સમયની બચત સાથે સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ સેવા સેતુ કેમ્પની ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને આગેવાનોએ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ રાજ્ય સરકારના મંત્રી, મુખ્ય દંડક, ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ પણ કેમ્પની મુલાકાત લઈને નાગરિકોને મળી રહેલી સેવાઓની માહિતી મેળવી હતી.
વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરમાં સફાઈ, નાગરિક સુવિધા અને જનસેવાને કેન્દ્રમાં રાખીને હાથ ધરાયેલી આ કામગીરીથી ‘સેવા સેતુ’ ખરેખર નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ બન્યો છે.

Most Popular

To Top