અમેરિકા બાદ હવે બ્રિટન (UK)માં પણ ભારતીયોનો મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાં ભણવા અને નોકરી માટે જનાર ભારતીયોની સંખ્યામાં વધારો થયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. બ્રિટન સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ, માત્ર એક જ વર્ષમાં લગભગ 75 હજાર ભારતીયોએ બ્રિટન છોડ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ યુકેની આકરી અને સતત બદલાતી વિઝા નીતિઓ માનવામાં આવી રહી છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 દરમિયાન કુલ 1.70 લાખ વિદેશી નાગરિકોએ બ્રિટન છોડ્યું હતું. તેમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની રહી હતી. ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝા પર ગયેલા ભારતીયોમાં દેશ છોડવાનો ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે.
સરકારી આંકડાઓ મુજબ, સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન ગયેલા આશરે 51 હજાર ભારતીય વિદ્યાર્થીઓએ યુકે છોડીને ભારત પરત ફરવાનું અથવા અન્ય દેશોમાં સ્થળાંતર કરવાનું પસંદ કર્યું છે. રોજગાર માટે બ્રિટન ગયેલા લગભગ 21 હજાર ભારતીયોએ પણ યુકેને અલવિદા કહી દીધું છે. આ ઉપરાંત અન્ય કેટેગરીમાં રહેલા લગભગ 3 હજાર ભારતીયો સાથે કુલ 75 હજાર ભારતીયો એક જ વર્ષમાં બ્રિટનમાંથી બહાર નીકળી ગયા છે. ભારત બાદ સૌથી વધુ 46 હજાર ચીની નાગરિકોએ યુકે છોડ્યું છે, જ્યારે પાકિસ્તાન અને નાઈજીરિયાના અંદાજે 19-19 હજાર નાગરિકોએ પણ બ્રિટનમાંથી બહાર જવાનું પસંદ કર્યું છે. સરકારી રિપોર્ટમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વર્ક રિલેટેડ વિઝા પર બ્રિટન જતાં ભારતીયોની સંખ્યામાં 47 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, કોરોના મહામારી બાદ બ્રિટને પોતાની ઇમિગ્રેશન અને વિઝા નીતિઓ વધુ કડક બનાવતાં વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારો માટે યુકેમાં લાંબા સમય સુધી ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.
બ્રિટનમાં છેલ્લા થોડા વર્ષોમાં સતત વડાપ્રધાન બદલાતા રહ્યા છે અને દરેક સરકાર સાથે વિઝા નિયમોમાં ફેરફારો થયા છે. આ અસ્થિર નીતિઓના કારણે ઘણા વિદ્યાર્થીઓ અને નોકરીયાત ભારતીયો ભવિષ્યને લઈને અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે. આ મુદ્દે વર્તમાન લેબર પાર્ટીની સરકારના ગૃહમંત્રી શબાના મહેમૂદે કહ્યું કે હાલના આંકડા અગાઉની કન્ઝર્વેટિવ સરકાર કરતાં ઓછા છે. તેમના કહેવા પ્રમાણે, કન્ઝર્વેટિવ સરકાર દરમિયાન તો લગભગ 9.44 લાખ વિદેશી નાગરિકોએ બ્રિટન છોડ્યું હતું. જોકે, કડક વિઝા નીતિઓ વચ્ચે પણ બ્રિટન હેલ્થ કેર અને સ્કિલ્ડ વર્કર્સ કેટેગરીમાં ભારતીયોને પ્રાથમિકતા આપી રહ્યું છે. આ કેટેગરી હેઠળ બ્રિટને એક જ વર્ષમાં 1.07 લાખ ભારતીયોને આવકાર્યા છે. જ્યારે 86 હજાર લોકો સાથે નાઈજીરિયા બીજા ક્રમે છે. સ્કિલ્ડ વર્કર વિઝા મેળવવામાં પણ ભારતીયો વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
બ્રિટને એક વર્ષમાં લગભગ 89,851 ભારતીયોને આ વિઝા મંજૂર કર્યા હતા. જ્યારે પાકિસ્તાનના 16,607 નાગરિકોને આ કેટેગરીમાં વિઝા મળ્યા હતા. ગ્રેજ્યુએશન આધારિત વિઝામાં પણ લગભગ 70 હજાર ભારતીયોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્પોન્સર્ડ વિઝા કેટેગરીમાં પણ ભારતીયો દુનિયામાં સૌથી આગળ રહ્યા છે.આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે બ્રિટનમાં હવે વિદેશી નાગરિકો માટે પરિસ્થિતિ પહેલા જેટલી સરળ રહી નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે વધતી કડકાઈ, ખર્ચ અને અનિશ્ચિત નીતિઓને કારણે ભારતીયો હવે અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે.