

વર્તમાન સમયમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતો માટે જગતના તાત સમાન ઈંધણ એટલે કે ડીઝલની ભારે અછત સર્જાતા પાનવડ પંથકમાં ભારે હોબાળો મચી ગયો છે. પાનવડ ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા માટે ટ્રેક્ટરોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને ટ્રેક્ટર ચાલકો ઉમટી પડતાં પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ડીઝલના મર્યાદિત જથ્થાને કારણે પ્રત્યેક ખેડૂતને માત્ર ૩૦૦૦ રૂપિયા સુધીનું જ ડીઝલ આપવાનો મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતી કામ માટે આટલો જથ્થો ખૂબ જ ઓછો હોવાથી ટ્રેક્ટર ચાલકો અને ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતો અને પંપના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
હાલ ખેતીની મુખ્ય સીઝન ચાલી રહી છે, જેમાં ખેતર ખેડવા, વાવણી કરવા અને અન્ય કૃષિ કાર્યો માટે ટ્રેક્ટરોનો ઉપયોગ અનિવાર્ય છે. આવા કટોકટીના સમયે જ ડીઝલની તંગી ઊભી થતાં ખેડૂતોના આગામી આયોજન પર પાણી ફરી વળ્યું છે. જો સમયસર પૂરતો જથ્થો નહીં મળે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર બગડી જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.સ્થાનિક તંત્ર અને વહીવટી વડાઓ આ બાબતે તાત્કાલિક દરમિયાનગીરી કરી પાનવડ વિસ્તારના પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે