National

રાષ્ટ્રપતિ મુર્મુના જન્મદિવસે ઓડિશાને PM મોદીની મોટી ભેટ: 47,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ શનિવારે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં યોજાયેલા ‘વિકાસ રા ધારા, ઓડિશા સારા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યમાં ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તેમણે ₹47,600 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે પણ ખાસ હતો, કારણ કે તેમનો જન્મદિવસ હતો. પોતાના સંબોધનમાં PM મોદીએ રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને તેમના જીવનપ્રવાસની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ઓડિશાની પુત્રી આજે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.

કાર્યક્રમ પહેલા PM મોદી મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામ પહોંચ્યા હતા. પહાડપુર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સાસરું છે. અહીં PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ સ્કિલ ટ્રેનિંગ હબની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. બંને નેતાઓએ સંથાલ સમુદાયના પવિત્ર સ્થળો ‘સંથાલી જાહેરા’ અને ‘હો જાહેરા’ ખાતે પૂજા-અર્ચના પણ કરી હતી. પહાડપુરની મુલાકાત દરમિયાન PM મોદીએ ગામ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે પહાડપુરને ‘સૂર્યપુર સોલર ગ્રામ’ તરીકે વિકસાવવામાં આવશે. આ યોજના હેઠળ ગામમાં સૌર ઊર્જાનો વ્યાપક ઉપયોગ થશે, જેના કારણે વીજળીની સુવિધાઓમાં વધારો થશે અને ગામના લોકોની આવકમાં પણ વધારો થવાની શક્યતા છે.

કાર્યક્રમ દરમિયાન PM મોદીએ જણાવ્યું કે ઓડિશા માટે આવનારા વર્ષો ખૂબ જ મહત્વના છે. 2036માં રાજ્યની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે, જ્યારે 2047માં દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. તેમણે કહ્યું કે ઓડિશાના વિકાસને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે જોડવામાં આવશે. તેમના શબ્દોમાં, “ઓડિશા આગળ વધશે તો દેશ પણ આગળ વધશે.” PM મોદીએ પોતાના ભાષણમાં ઓડિશાની ભાજપ સરકારને બે વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસ અને ઉત્સવનું વાતાવરણ એકસાથે જોવા મળી રહ્યું છે. રથયાત્રા જેવા ધાર્મિક તહેવારોની સાથે વિકાસના કાર્યો પણ ઝડપથી આગળ વધી રહ્યા છે.

આ પ્રસંગે ઊર્જા, માર્ગ વ્યવસ્થા, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, સિંચાઈ અને ઔદ્યોગિક વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેતા પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી હતી. PM મોદીએ 600 મેગાવોટના અપર ઇન્દ્રાવતી પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ અને IB થર્મલ પાવર સ્ટેશનના વિસ્તરણનો પાયો મૂક્યો હતો. આ ઉપરાંત ઝારસુગુડામાં ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ (BCGCL) પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો. ભુવનેશ્વરમાં 300 ટનની ક્ષમતાવાળા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને કાથજોડી નદી પર બનેલા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. માર્ગ અને સિંચાઈ ક્ષેત્રે પણ અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા. બૌધમાં ઢાલપુર-હરભંગા રોડનું વિસ્તરણ, NH-353ના એક ભાગને ફોરલેન બનાવવાનો પ્રોજેક્ટ અને કુસુમડીહી મેગા લિફ્ટ સિંચાઈ યોજના લોકોને સમર્પિત કરવામાં આવી.

રેલવે ક્ષેત્રે પણ મોટી ભેટ આપવામાં આવી. 732 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા બે મહત્વપૂર્ણ મલ્ટી-ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં પરિવહન અને વેપારને વધુ સરળ બનાવશે. આ ઉપરાંત બૌધમાં 300 પથારીની આધુનિક હોસ્પિટલ, 24 અટલ બસ સ્ટેન્ડ અને 9 ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રે IGNOUના નવા રિજનલ સેન્ટર અને રાયરંગપુરમાં ઇન્ડોર બેડમિન્ટન કોમ્પ્લેક્સનો શિલાન્યાસ પણ થયો.

ખરાબ હવામાનને કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હેલિકોપ્ટરની જગ્યાએ રોડ માર્ગે રાયરંગપુર પહોંચવું પડ્યું હતું. ત્યાં તેમણે AIIMS ભુવનેશ્વર દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ અને અન્ય વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીની આ મુલાકાત અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની જાહેરાત ઓડિશાના વિકાસને નવી ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પહાડપુરને સોલર વિલેજ તરીકે વિકસાવવાની જાહેરાત સ્થાનિક લોકો માટે મોટી ભેટ માનવામાં આવી રહી છે.

Most Popular

To Top