સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી 48 લાખ રૂપિયાની હાઈપ્રોફાઈલ ચોરીનો પોલીસે આખરે ભેદ ઉકેલી લીધો છે. ફિલ્મી અંદાજમાં ચોરી કરીને ફરાર થયેલા આરોપી દેવરાજ ઉર્ફે કાલુ પાટીલને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરીના સમગ્ર 48 લાખ રૂપિયા પણ રિકવર કરી લીધા છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ શહેરમાં ભારે ચર્ચા જગાઈ છે. અડાજણના પરશુરામ ગાર્ડન પાસે આવેલા ‘સેતુ વિલા’ બંગલામાં રહેતા હિંમતભાઈ પટેલ જાણીતા બિલ્ડર છે. થોડા દિવસો પહેલા તેઓ પરિવારના સામાજિક પ્રસંગ માટે ભાવનગર જિલ્લાના ધોળા ગામ ગયા હતા. બંગલામાં તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને દીકરી પરિવાર સાથે હાજર હતા. 18 મેની મોડી રાત્રે પરિવારના સભ્યો સૂઈ ગયા બાદ મધરાત્રિએ માસ્ક પહેરેલો શાતિર ચોર બંગલામાં ઘૂસ્યો હતો. આરોપી સીધો જ બિલ્ડરના બેડરૂમ સુધી પહોંચ્યો અને લાકડાના કબાટનું લોક તોડી અંદર રાખેલી રોકડ ભરેલી બેગ લઈ ગયો હતો. બેગમાં આશરે 48 લાખ રૂપિયા હતા.

ચોરી દરમિયાન કબાટનું લોક તૂટતા જોરદાર અવાજ થયો હતો. આ અવાજ સાંભળી બિલ્ડરની દીકરી નિધિ જાગી ગઈ હતી. તેણે તરત જ પોતાના ભાઈ કૌશિકને ફોન કર્યો. કૌશિક નીચે દોડી આવ્યો ત્યાં સુધીમાં આરોપી બારી મારફતે ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં આરોપી બેગ સાથે માત્ર એક સેકન્ડમાં ઊંચી કમ્પાઉન્ડ વોલ કૂદી ભાગતો દેખાયો હતો. આ ફૂટેજના આધારે પોલીસે આરોપીના વાહન સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી દેવરાજ પાટીલ ચોરી કર્યા બાદ સીધો મુંબઈ ભાગી ગયો હતો. જોકે, તે પોતાના સાથે આખી રકમ લઈ ગયો નહોતો. પોલીસે પકડાઈ જવાની ભીતિને કારણે તેણે રૂપિયા સુરતમાં જ એક ખંડેર બિલ્ડિંગમાં છુપાવી દીધા હતા અને ખાલી હાથે મુંબઈ ગયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી કે આરોપી ફરી સુરતમાં પરત આવ્યો છે. ત્યારબાદ પોલીસે પૂણા સહારા દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વહેલી સવારે પોલીસે આરોપીને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે રાંદેર તારવાડી પાસે આવેલા ‘મજદા ટાવર’ નામના ખંડેર બિલ્ડિંગના ટેરેસ પર પાણીની જૂની ટાંકી પાસે તેણે રૂપિયા છુપાવ્યા છે.
પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે બિલ્ડિંગના ગેટ પર મોટું લોક લાગેલું હતું. અડાજણ PIએ જાતે હથોડાના ઘા મારીને લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ટેરેસ પર આવેલી પાણીની ટાંકી પાસેથી 500ની નોટોના બંડલ ભરેલી બેગ મળી આવી હતી. પોલીસે ચોરીની આખી રકમ અને ગુનામાં વપરાયેલી મોપેડ મળી કુલ 48.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દેવરાજ પાટીલ અગાઉ પણ સુરતના અડાજણ, રાંદેર, લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ પોલીસે તેની સામે વધુ તપાસ શરૂ કરી છે.