પાલિકાની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલ
વાડી બાદ હવે સુભાનપુરામાં સમોસામાંથી જીવાત, ગ્રાહકોમાં ભારે રોષ
વડોદરા : શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરના અલગ-અલગ બે વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાના બનાવોએ વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની કામગીરીને સવાલોના ઘેરામાં મૂકી છે. વાડી વિસ્તારમાં બનેલી ઘટના હજી શાંત પણ પડી નહોતી ત્યાં બુધવારે સુભાનપુરા સ્થિત ‘ભાવનગરી ગાંઠિયા’ની દુકાનમાંથી ખરીદાયેલા સમોસામાં જીવાત મળી આવતા ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

ગ્રાહક સમોસો ખાવા જતાં અંદર જીવાત નજરે પડતાં દુકાનદાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા વેપારીએ દલીલ કરી હતી કે સમોસા બહારથી તૈયાર મંગાવવામાં આવે છે અને તેમાં શું છે તેની તેમને જાણ નથી. વેપારીના આ જવાબથી લોકોમાં વધુ નારાજગી ફેલાઈ હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આવો અખાદ્ય સમોસો કોઈ બાળક ખાઈ લેત તો ગંભીર આરોગ્ય સંકટ ઊભું થઈ શકત.

પાલિકાની ખોરાક શાખા માત્ર એસી કેબિન પૂરતી સીમિત?
આ સતત સામે આવી રહેલી ઘટનાઓને કારણે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ખોરાક શાખાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં દેખાવ પૂરતી ચેકિંગ કાર્યવાહી કરીને નાના વેપારીઓને દંડ ફટકારતી ખોરાક શાખા મોટા સ્તરે ચાલતી બેદરકારી સામે કેમ આંખ આડા કાન કરી રહી છે તે મુદ્દે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વારંવાર અધિકારીઓને કામગીરીમાં બેદરકારી બદલ સસ્પેન્શન સુધીની કડક ચેતવણી આપવામાં આવતી હોવા છતાં 24 કલાકમાં બે ગંભીર બનાવો સામે આવતા તંત્રની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. હવે શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે શું કમિશનર લોકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓને છાવરતા બેદરકાર અધિકારીઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરશે કે પછી આ મામલો પણ ફક્ત કાગળો સુધી જ સીમિત રહેશે?
પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવનાર અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહેવાના બદલે મેદાનમાં ઉતરી અસરકારક ચેકિંગ કરે તેવી લોક માંગ દિવસેને દિવસે વધુ તેજ બની રહી છે.