કપડાં ધોવાના પાઉડરની એક જાહેરખબરમાં બતાવાય છે કે ઘરમાં અતિથિઓ આવેલા છે. અતિથિઓમાં એક પુરુષ અને બે સ્ત્રીઓ છે. ઘરનો પુરુષ તે અતિથિ સાથે વાતચીત કરીને તેનો સાથ આપે છે. બાળક રમતું હોય છે. અતિથિઓ સાથે ઘરના સભ્યોએ પણ ભોજન લઈ લીધું છે, પરંતુ એંઠી થાળીઓ (હવે તેને ડિશ નહીં, પ્લેટ કહેવાય છે, યુ નો!) પડી છે. બાળકને ચિંતા થાય છે કે માતા એકલી કામ કરી રહી છે. તે માતાને કામમાં સાથ દેવા પોતે થાળીઓ ઉપાડે છે, પરંતુ તેમ કરવા જતાં તેના ટી-શર્ટ પર ડાઘા લાગે છે. માતા આ જોઈને સુખદ આશ્ચર્ય પામે છે. અને છેલ્લે આવે છે આ ડાઘા દૂર કરનાર પાઉડરનું નામ. ઘણાં ઘરોમાં એવું થતું હોય છે કે મહેમાન તરીકે ગયેલી સ્ત્રીઓ યજમાન સ્ત્રીને કામમાં મદદ કરવા લાગે છે. રોટલી બાકી હોય તો કાં તો રોટલી વણવા લાગે, કાં તો રોટલી ચોળવા લાગે. પૂરી તળવાની હોય તો તેમાં મદદ કરે. થાળી-વાટકા રસોડામાંથી ડ્રૉઇંગ રૂમ કે ડાઇનિંગ ટેબલ પર લઈ જવાનાં હોય, શાકનું લોયું હોય કે છાશ ભરેલી પવાલી, રોટલીનું ગરવું હોય કે કચુંબર ભરેલો વાટકો – આ બધું લઈ જવામાં અને પછી પીરસવામાં પણ સહાય કરવા લાગે છે. કારણ કે ગુજરાતી ઘરોમાં એવી ટેવ છે કે અતિથિ તો ઠીક, ઘરના સભ્યોને પણ રોટલી કે થેપલાં-ભાખરી ગરમાગરમ બનતાં જાય તેમ પીરસાતાં જાય.

એટલે યજમાન ગૃહિણી પોતે રોટલી, પરોઠાં કે પૂરી તળવાનું કામ કરતી હોય તો સ્વાભાવિક રીતે કોઈ પીરસનાર જોઈએ જ. આ માટે સામાન્ય રીતે ગૃહિણીઓ પહેલાં પુરુષો અને બાળકોને જમાડીને પોતે પછી જમવાનું પસંદ કરતી હોય છે. અને અતિથિ ગૃહિણી પીરસવાનું કામ લઈ લે છે. આ માટે આવશ્યક નથી કે યજમાનના ઘરમાં વારંવાર જતી મહેમાન ગૃહિણી જ આ કામ કરે. ઘણી ગૃહિણીઓ એવી કાર્યદક્ષ હોય છે કે પહેલી વાર જતાં જ તે પોતે અજાણી બનીને, સંકોચાઈને બેસી નથી રહેતી અને પોતાની વાક્પટુતાથી જાણે વર્ષોથી ઓળખતી હોય તે રીતે કામ ઉપાડી લે છે. તે કોઈ આગંતુકની જેમ સોફા પર બેસી નથી રહેતી. બસ, યજમાન ગૃહિણી પાણી આપે પછી પાણીના પ્યાલા મૂકવાના બહાને રસોડામાં પહોંચી જાય છે. આવી ગૃહિણી તેના પતિ સાથે જમવાનું બની જાય પછી જ પહોંચે એવું નથી હોતું. તે થોડું વહેલું પહોંચી જાય છે.
જો બંને પરિવારો કે તેથી વધુ પરિવારો આવવાના હોય અને સારી કેમિસ્ટ્રી હોય તો પરિવારની ગૃહિણીઓ પોતપોતાના ઘરેથી શાક, કચુંબર કે અન્ય કોઈ ચીજ બનાવીને લઈ આવે છે, જેથી યજમાન ગૃહિણીના માથે બહુ ભાર ન આવે. ટૂંકમાં, શાળામાં જે કરતા તે – સ્વયંપાક, સમૂહભોજન. પરંતુ એવું ન હોય તોય વહેલી પહોંચેલી ગૃહિણી શાક સમારવાથી લઈને કચુંબર સમારવામાં, લોટ બાંધવામાં, ડુંગળી સમારવામાં, લસણ ફોલવામાં કે ચટણી બનાવવામાં યજમાન ગૃહિણીને મદદ કરવા લાગે છે. અને પછી અગાઉ કહ્યું તેમ પીરસવામાં પણ. પરંતુ ઘણી જગ્યાએ ઉપર જાહેરખબરમાં દર્શાવાયું તેમ થતું હોય છે. કાં તો મહેમાન ગૃહિણીને અતડી રહેવાનું પસંદ હોય, કાં તો કામ કરવાની આળસ હોય, કાં નણંદ કે ફઈ તરીકે ભાભી કે વહુની મહેમાનગતિ માણવી હોય, તો તે બેસી રહે છે. કેટલીક ગૃહિણીઓને સંકોચ પણ થતો હોય છે કે તે મદદ કરવા જશે અને કંઈ ઊંધુંચત્તું થઈ જશે તો?
પરંતુ આવી ગૃહિણીઓના કારણે યજમાન ગૃહિણીના માથે બધો ભાર આવી જાય છે. રસોઈ બનાવવાથી માંડીને પીરસવાનું, તેમાં પણ ગરમાગરમ પૂરી વણવી, તળવી અને તળીને પીરસવી – આ બધામાં તેની દોડાદોડી વધી જાય છે. આ બધાના અંતે જ્યારે તે જમવા બેસે છે ત્યારે જમવાની પૂરી હોંશ રહેતી નથી. તળવાના કારણે આમેય ગરમી લાગી હોય અને તેના કારણે ભોજનની અરુચિ થવાની કે પિત્ત થવાની સંભાવના તો હોય જ છે.
આ બધા પછી, જો જમીન પર બેસીને જમ્યા હોય તો જમીન પરથી અથવા ડાઇનિંગ ટેબલ પરથી થાળી, વાટકા, શાક, કચુંબર, કઢી, રોટલી વગેરેના વાસણો લેવાં – આ બધું કામ રહે છે. તેમાંથી એંઠવાડ કાઢવો અને પછી જો વાસણ ઉટકનારી બાઈ આવતી હોય તો વાંધો નથી, પરંતુ મહેમાન આવવાના હોય ત્યારે જ કામવાળી રજા પાડી દે તો વાસણ ઉટકવાનાં પણ ખરાં. ઘણી સ્ત્રીઓને તો આ બધાં કામો પોતાનાં ઘરમાં પણ નથી ગમતાં હોતાં, તો બીજાના ઘરે ક્યાંથી કરે?
પરંતુ અહીં વાત પૂરી નથી થઈ જતી. આ બધાં પછી પાછો આઈસ્ક્રીમ કે સોડા લાવ્યા હોય તો તે પીરસવાનો. તેમાંય પાછા એકથી વધુ રાઉન્ડ હોઈ શકે. આના જ પરિણામે હવે કેટલીક ગૃહિણીઓ મહેમાન બોલાવવાના નામે મોઢું મચકોડતી થઈ ગઈ છે. તેનું કારણ એક જ છે – આવા પ્રસંગે ઘરના બીજા સભ્યોને તો મજા પડી જાય છે, પરંતુ ઘરની પુત્રવધૂને સતત કામ રહે છે. અને ઉપરથી રસોઈમાં કે બીજી કોઈ રીતે ભૂલ પડી હોય તો ઠપકો મળે તે જુદું.
આમાંય જો આવા પરિવારમાં છાશવારે મહેમાનો આવતા રહેતા હોય તો? વિચારો, સ્ત્રીની દશા કેવી થતી હશે?
આવામાં જો ઘરમાં બાળકી કે કિશોરી હોય તો નાનાં-મોટાં કામો કરાવવા લાગે, તો પુત્રવધૂનું કામ કંઈક હળવું થાય. પરંતુ બાળક, કિશોર કે યુવાન દીકરો હોય તો એક સળીના બે કટકા પણ ન કરે. વિચાર કરો કે જે ઘરમાં દાદીસાસુ, સાસુ અને તે સિવાય પરિવારમાં માત્ર પુરુષ સભ્યો જ હોય, એટલે કે દીકરાઓ અને પતિ – તેવી ગૃહિણીઓને કેવી તકલીફ પડતી હશે? આની એક ઝલક ‘મા-બહેન’ ફિલ્મમાં બતાવવામાં આવી છે. તૃપ્તિ ડિમરી ઘરની એકમાત્ર સ્ત્રી સભ્ય છે. તેના સસરા, પતિ અને ત્રણ દિયરો છે. આ દિયરો જમવા બેસે ત્યારે થોડી-થોડી વારે ગરમ રોટલી માગતા રહે છે. તૃપ્તિ ડિમરી રોટલી તો બનાવે છે, પરંતુ દિયરો પોતે રોટલી લેવા ઊભા પણ નથી થતા.
જોકે બધા પુરુષો કે બાળકો ફિલ્મમાં બતાવ્યાં તેવાં નથી હોતા. ઘણાં ઘરોમાં બાળકો અથવા પુરુષ સભ્યો ઉપર જાહેરખબરમાં બતાવ્યાં તેવાં પણ હોય છે. ઘણી વાર જ્યારે આમંત્રિત મહેમાનો પુરુષો જ હોય અને યજમાનના ઘરમાં કોઈ કારણસર એક માત્ર સ્ત્રી જ કામ કરનારી હોય, ત્યારે પતિ અને મહેમાનો પણ નાનાં-મોટાં કામોમાં મદદ કરવા લાગે છે. આવું જો થાય તો મહેમાનગતિ આકરી નથી પડતી, પરંતુ સ્ત્રીને પણ આનંદ થાય છે. – જયવંત પંડયા