Vadodara

કોર્પોરેટર આશિષ જોશી બાદ કોંગ્રેસના હારી ગયેલા ઉમેદવાર સ્વેજલ વ્યાસ સામે પણ ગુનો નોંધાયો

નવા સવા રાજકારણીએ સોશિયલ મીડિયા ઉપર ખાલી દારૂની બોટલ બદલ રૂ.100 લઈ જવાની પોસ્ટ વાઇરલ કરતા પોલીસની કાર્યવાહી

વડોદરા તા.20

વડોદરા શહેરમાં કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસ દ્વારા સોશિયલ મીડિયામાં “એક ખાલી દારૂની બોટલ લાવશો તો રૂ.100 મળશે” તેવી જાહેરાત કરવામાં આવતા રાજકીય ગરમાવો સર્જાયો છે. ગોરવા પોલીસે આ મામલે સોશિયલ મીડિયા પોસ્ટના આધારે સ્વેજલ વ્યાસ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ગોરવા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદીપ યશવંતરાય દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન સોશિયલ મીડિયાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તે દરમિયાન “સ્વેજલ વ્યાસ” નામના ફેસબુક આઈડી પરથી એક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
વાયરલ પોસ્ટરમાં વડોદરાના તમામ બુટલેગર અને નાગરિકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું કે, “એક ખાલી દારૂની બોટલ લાવશો તો રૂ.100 આપવામાં આવશે.” સાથે જ “શહેરમાં ખોટા દારૂના કેસ ઉભા થાય છે, ત્યાં હવે દારૂની ખાલી બોટલ પણ સત્ય બોલશે” જેવા લખાણ સાથે લોકોને તા. 19 મેના રોજ સાંજે 5થી 6 વાગ્યા દરમિયાન ઝાંસીની રાણી સર્કલ ખાતે ખાલી દારૂની બોટલ સાથે એકત્ર થવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ દ્વારા કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ખોટા પ્રોહિબિશન કેસ નોંધાયા હોવાની કોઈ આધારભૂત હકીકત ઉપલબ્ધ નથી. તેમ છતાં સ્વેજલ વ્યાસ દ્વારા સોશિયલ મીડિયામાં પાયાવિહોણા અને તથ્યવિહિન આક્ષેપો પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રકારના કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી નહોતી. ઉપરાંત લોકોને ભેગા કરવા માટે બોટલ બદલ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવતા ટ્રાફિકના પીક અવર્સ દરમિયાન શહેરના વ્યસ્ત ઝાંસીની રાણી સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની શક્યતા હતી. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ઉભી થવા સાથે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ શકે તેમ હતું.
આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવી વડોદરા શહેર પોલીસ દળ પ્રત્યે જનમાનસમાં વૈમનસ્ય, ધૃણા અને દુર્ભાવના પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગોરવા પોલીસે સ્વેજલ વ્યાસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top