સન ફાર્મા રોડ પર દોડતી કારમાં ભભૂકી આગ, શોર્ટ સર્કિટની આશંકા
વડોદરા: સન ફાર્મા રોડ પર આવેલા સત્સંગ પાર્ટી પ્લોટ નજીક ગતરાત્રીએ દોડતી ફોર વ્હીલ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. કારમાંથી ધુમાડા અને આગના ગોટા નીકળતાં રોડ પરથી પસાર થતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર ઝડપી કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે.
નિઝામપુરામાં થારમાં આગ, મુસાફરોની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

બીજી ઘટના નિઝામપુરા મહેસાણા સર્કલ નજીક બની હતી, જ્યાં થાર કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી અથાગ મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે કારને નોંધપાત્ર નુકસાન થયું છે. વરસાદી માહોલ દરમિયાન વાહનોમાં આગ લાગવાના આ બે બનાવોએ વાહનચાલકોમાં ચિંતા ફેલાવી છે.