ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હોવા છતાં ક્યાંય પણ અતિ ભારે વરસાદ નોંધાયો નથી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં 2.68 ઇંચ નોંધાયો છે.
રાજ્યમાં માત્ર 2 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ 130 તાલુકામાં 1 ઇંચ સુધીનો સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાતા ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટતા અનેક વિસ્તારોમાં જનજીવન સામાન્ય થવા લાગ્યું છે.
આ વિસ્તારોમાં નોંધાયો સૌથી વધુ વરસાદ
છોટાઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ 2.68 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ દાહોદના લીમખેડામાં 2.09 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મહીસાગરના સંતરામપુરમાં 1.93 ઇંચ, અમદાવાદના ધંધુકામાં 1.77 ઇંચ, ખેડાના ઠાસરામાં 1.73 ઇંચ, દાહોદના ફતેપુરામાં 1.73 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.69 ઇંચ, ખેડાના મહેમદાવાદમાં 1.65 ઇંચ, અમદાવાદના દસ્ક્રોઈમાં 1.54 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 1.50 ઇંચ, અમદાવાદના ધોળકામાં 1.46 ઇંચ, મહીસાગરના કડાણામાં 1.46 ઇંચ, ખેડાના કઠલાલમાં 1.42 ઇંચ, અમદાવાદના ધોલેરામાં 1.38 ઇંચ, પંચમહાલના કાલોલમાં 1.30 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1.30 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 1.26 ઇંચ, આણંદના ખંભાતમાં 1.26 ઇંચ, છોટાઉદેપુરમાં 1.18 ઇંચ, આણંદના આંકલાવમાં 1.10 ઇંચ, વલસાડના કપરાડામાં 1.10 ઇંચ, નવસારીમાં 1.06 ઇંચ, અરવલ્લીના બાયડમાં 1.06 ઇંચ, અરવલ્લીના સાઠંબામાં 1.06 ઇંચ અને પંચમહાલના ઘોઘંબામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે અને આવતીકાલે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદ શહેરમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. શહેરનું મહત્તમ તાપમાન આશરે 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન આશરે 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આગામી 2 દિવસ દરમિયાન પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સંભાવના યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે.