ભારત બંધના એલાનને મળ્યો જંગી પ્રતિસાદ
ઓનલાઇન ફાર્મસી નીતિ સામે કેમિસ્ટોનો ઉગ્ર વિરોધ
હાલોલ, તા. 20 મે 2026
ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને તેના કારણે ઊભા થતા જોખમોના વિરોધમાં આજે સમગ્ર દેશમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાના એલાનને હાલોલમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા આપવામાં આવેલા ભારત બંધના આહ્વાનને અનુસરી હાલોલ કેમિસ્ટ એસોસિએશન સાથે જોડાયેલા તમામ મેડિકલ સ્ટોર્સ આજે સંપૂર્ણપણે બંધ રહ્યા હતા.

વેપારીઓએ એકસૂરેથી ઓનલાઈન ફાર્મસી નીતિનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, ઓનલાઈન દવાઓના વેચાણથી ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે અને નિયમોના ઉલ્લંઘનથી સ્થાનિક મેડિકલ વ્યવસાય પર પણ ભારે અસર પડી રહી છે.
ઇમરજન્સી માટે એક મેડિકલ સ્ટોર રાખાયો ખુલ્લો
આ આંદોલનને માત્ર કેમિસ્ટ એસોસિએશન જ નહીં પરંતુ જેનરિક હોલસેલ એસોસિએશન, ડૉક્ટર એસોસિએશન તેમજ એમ.આર. (M.R.) એસોસિએશન તરફથી પણ મક્કમ સમર્થન મળ્યું હતું. શહેરના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા બજારોમાં સુમસામ માહોલ જોવા મળ્યો હતો.
જોકે, દર્દીઓ અને સામાન્ય નાગરિકોને ઇમરજન્સીમાં મુશ્કેલી ન પડે તે માટે માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો હતો. બજારમાં આવેલું ‘બીપીનચંદ્ર જી. પરીખ’ મેડિકલ સ્ટોર ખાસ ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેથી તાત્કાલિક જરૂરિયાત ધરાવતા દર્દીઓને દવાઓ સરળતાથી મળી રહે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ