ભયના ઓથાર હેઠળ જીવતા સ્થાનિકો અને વેપારીઓ, જાહેર માર્ગ પર ખુલ્લેઆમ મારામારી થતાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યા
(પ્રતિનિધિ), વડોદરા. તા.22
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ભરચક ગણાતા કારેલીબાગ વિસ્તારની તુલસીવાડી શાકમાર્કેટમાં ગઈકાલે સાંજની સુમારે અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. લોખંડની પાઇપો અને લાકડાના ફટકા જેવા જીવલેણ હથિયારો સાથે કેટલાક શખ્સોએ જાહેર માર્ગ પર એકબીજા પર હુમલો કર્યો હતો. આ સમગ્ર હિંસક દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, કારેલીબાગના તુલસીવાડી વિસ્તારમાં આવેલી શાકમાર્કેટમાં સામાન્ય દિવસોની જેમ જ ગ્રાહકો અને વેપારીઓની ભારે ભીડ હતી. આ દરમિયાન અચાનક જ બે જૂથના અસામાજિક તત્વો આમને-સામને આવી ગયા હતા. કોઈ જૂની અદાવત કે ઝઘડાને કારણે મામલો એટલો બિચક્યો કે, આ તત્વોએ કાયદાનો સહેજ પણ ડર રાખ્યા વિના પોતાના હાથમાં લોખંડની પાઇપો અને લાકડીઓ ધારણ કરી લીધી હતી.
ભરચક બજારની વચ્ચે જ બંને જૂથો વચ્ચે સામસામે ફટકાબાજી શરૂ થઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને ખરીદી કરવા આવેલા નિર્દોષ નાગરિકો, મહિલાઓ અને બાળકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
આ મારામારી દરમિયાન ત્યાં હાજર કોઈ નાગરિકે સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે અસામાજિક તત્વો ખુલ્લેઆમ હથિયારો લહેરાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વડોદરા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ સમગ્ર મામલો કુંભારવાડા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વિસ્તારના નવા ચૂંટાયેલા કોર્પોરેટર આદિત્ય પટેલ અને સચિન ખંડેલવાલ પણ પહોંચ્યા હતા. આદિત્ય પટેલના જણાવ્યા મુજબ તેમને એક સ્થાનિક રહીશનો ફોન આવ્યો અને બનાવની જાણ કરી. બનાવની જાણ થતા જ આદિત્ય પટેલ અને સચિન ખંડેલવાલ કુંભારવાડા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં PI સાથે વાત કરીને જે કોઈ અસામાજિક તત્વો હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ કોઈ અને કેટલા યુવકો આવ્યા અને કેવી રીતે ઘટના ઘટી એ તમામ ફૂટેજ મેળવી લીધા છે.
તુલસીવાડી અને કારેલીબાગ વિસ્તારના રહીશો તેમજ સ્થાનિક વેપારીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો જમાવડો અવારનવાર જોવા મળે છે. જાહેરમાં ગાળાગાળી કરવી, વેપારીઓ પાસે ઉઘરાણી કરવી કે સામાન્ય બાબતે ઝઘડા કરવા તે અહીં રોજની વાત બની ગઈ છે. ગઈકાલની ઘટનાએ સાબિત કરી દીધું છે કે આ તત્વોને હવે ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી.
આ વાયરલ વીડિયોના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી તેમની અટકાયત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પરંતુ સ્થાનિકોની માંગ છે કે માત્ર કાગળ પરની કાર્યવાહીના બદલે પોલીસ આ વિસ્તારમાં કાયમી અને કડક પેટ્રોલિંગ ગોઠવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત કે જાનહાનિ ન થાય.
હવે જોવાનું એ રહે છે કે વડોદરા પોલીસ આ ગુંડાતત્વો સામે કેવાં કડક પગલાં ભરીને કાયદો અને વ્યવસ્થાનું ભાન કરાવે છે અને તુલસીવાડી માર્કેટના વેપારીઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડે છે.