કંપનીના હિસાબમાં ગોટાળો સામે આવતા પાંચ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી એક પાર્સલ અને ડિલિવરી સર્વિસ કંપનીમાં મોટા પાયે નાણાકીય ગોટાળાનો મામલો સામે આવ્યો છે. કંપનીમાં કામ કરતા પાંચ કર્મચારીઓએ મળીને પાર્સલ અને રોકડ રકમના હિસાબમાં ગેરરીતિ આચરી અંદાજે રૂ.17.45 લાખની ગોલમાલ કરી હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલો બહાર આવતા કંપની દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ સચિનના લાજપોર ગામ નજીક આવેલા વિશ્વકર્મા કોમ્પ્લેક્ષમાં કાર્યરત “આઈ-ટ્રેક પ્લસ ડિલિવરી સર્વિસ પ્રા. લિ.” નામની કંપનીમાં આ ગોટાળો કરવામાં આવ્યો હતો. કંપનીના હિસાબોની આંતરિક ચકાસણી દરમિયાન પાર્સલ અને કેશ કલેક્શનના હિસાબોમાં ગેરસમંજસતા જોવા મળતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં કંપનીમાં નોકરી કરતા પ્રદીપ ભૈરવસિંહ યાદવે સચિન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે પાંચ કર્મચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપીઓમાં મેનેજરથી લઈને ડિલિવરી એજન્ટ સુધીનો સમાવેશ
ફરિયાદ મુજબ કંપનીમાં ક્લસ્ટર મેનેજર તરીકે ફરજ બજાવતા સૂર્યપ્રકાશ પ્રજાપતિ, હબ ઇન્ચાર્જ કપિલકુમાર મહતો, ટીમ લીડર અભિનંદન તિવારી તેમજ ડિલિવરી એજન્ટ નઝીમ પટેલ અને મનીષ જગતાપ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ગ્રાહકો દ્વારા મોકલવામાં આવેલા પાર્સલોમાં ગેરરીતિ કરતા હતા. કેટલાક પાર્સલોમાં ચીજવસ્તુઓની અદલાબદલી કરી દેવામાં આવતી હતી, જ્યારે ડિલિવરી દરમિયાન ગ્રાહકો પાસેથી મળતી રોકડ રકમ કંપનીના ખાતામાં જમા કરાવવાના બદલે પોતે રાખી લેતા હતા.
આંતરિક ઓડિટમાં ખુલ્યો ભાંડો
કંપનીના હિસાબ વિભાગે નિયમિત ચકાસણી દરમિયાન રોકડ અને પાર્સલના ડેટામાં તફાવત નોંધ્યો હતો. ત્યારબાદ વિગતવાર આંતરિક ઓડિટ હાથ ધરવામાં આવી હતી. ઓડિટ દરમિયાન ઘણા ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાતા તપાસ વધુ ગહન કરવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ લાંબા સમયથી ગોટાળો ચલાવી રહ્યા હતા. ગ્રાહકો દ્વારા કરાયેલા કેશ ઓન ડિલિવરી (COD) પેમેન્ટમાંથી રકમ કંપનીમાં જમા ન કરાવવી, પાર્સલોમાં ચેડાં કરવી અને હિસાબી દસ્તાવેજોમાં ખોટી એન્ટ્રીઓ કરવી જેવી ગેરરીતિઓ દ્વારા લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હતી.
કુલ રૂ.17,45,530ની ગેરરીતિનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓએ મળીને કુલ રૂ.17,45,530ની નાણાકીય ગોલમાલ કરી હોવાનો અંદાજ છે. કંપનીને આર્થિક નુકસાન થવા ઉપરાંત ગ્રાહકોના વિશ્વાસને પણ આંચકો પહોંચ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
સચિન પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ તમામ આરોપીઓની ભૂમિકા, ગોટાળો કરવાની રીત અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સંબંધિત દસ્તાવેજો, હિસાબી વિગતો અને ડિજિટલ રેકોર્ડ પણ ચકાસવામાં આવી રહ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ પૂર્ણ થયા બાદ આરોપીઓની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, કંપની દ્વારા પણ ભવિષ્યમાં આવી ગેરરીતિ ન બને તે માટે આંતરિક મોનીટરીંગ સિસ્ટમ વધુ મજબૂત બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.