Vadodara

મુવાલ ગામે ખેતરમાં મળેલા કંકાલમા ચોંકાવનારો ખુલાસો, મહિલાની હત્યા કરી લાશ ફેંકી હોવાનો ઘટસ્ફોટ

કંકાલ મળ્યાના દોઢ મહિનામા સાવલી પોલીસે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો, હત્યારાને ઝડપી પાડયો

વડોદરા તા.20

સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં આવેલી નિલગીરીના ખેતરમાંથી દોઢ મહિના પહેલા મળેલા અજાણ્યા મહિલાના કંકાલના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાબરકાંઠાની મહિલાની હત્યા કરીને લાસ ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ થતા ચકચાર મચી ગઈ હતી. પરિવારજનો અને સાક્ષીઓની પૂછપરછના આધારે પોલીસે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં આવેલા નિલગીરીના ખેતરમાંથી દોઢ મહિના પહેલા મહિલાનું કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કંકાલને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રારંભિક તપાસમાં પોલીસને મહિલાની હત્યા કરીને લાશ ખેતરમાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા ઉભી થતા કેસમાં ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેક્નિકલ માહિતી અને પૂછપરછના આધારે પોલીસે કંકાલની ઓળખ સાબરકાંઠા જિલ્લાના અંત્રોલીવાસ ખાતે રહેતી ભાવનાબેન પરમાર તરીકે કરી હતી.
ભાવનાબેનના પુત્ર દિલીપસિંહ અર્જુનસિંહ પરમારની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમના પિતાના 17 વર્ષ પહેલા અવસાન થયા બાદ માતા થોડા વર્ષ સુધી પરિવાર સાથે રહ્યા હતા અને ત્યારબાદ અરવલ્લી જિલ્લામાં મામાના ઘરે રહેવા ગયા હતા. દોઢ મહિના પહેલા તેઓ પાવાગઢ જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થયો ન હતો.
પોલીસે પરિવારજનો તેમજ સંબંધિત લોકોની સઘન પૂછપરછ કરતા સમગ્ર કેસની હકીકત બહાર આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ભાવનાબેનની હત્યા કર્યા બાદ તેમની લાશ મુવાલ ગામની સીમમાં આવેલા ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. મહત્વના પુરાવા અને નિવેદનોના આધારે પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દોઢ મહિના સુધી રહસ્ય બનેલા આ કેસનો ભેદ ઉકેલાતા સાવલી પોલીસને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.

Most Popular

To Top