સરકારનો પરિપત્ર ઘોળીને પી જનાર સ્કૂલો સામે કલેક્ટરને આવેદન પાઠવી સખત પગલાની માંગ
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
બરોડા એકેડમિક એસોસિએશન અને વડોદરા એકેડમી ફેડરેશન ઓફ ગુજરાતના બેનર હેઠળ શહેરના તમામ ટ્યુશન ક્લાસના સંચાલકો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોન્સેપ્ટ સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ અને ખાનગી સ્કૂલોના વિરોધમાં રેલી રૂપે ઉગ્ર રજૂઆત કરી હતી. સરકારી પરિપત્રનો ભંગ કરતી સ્કૂલો સામે સખતમાં સખત પગલા લેવાની માંગ કરવામાં આવી હતી.
બરોડા એકેડમિક એસોસિએશનના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ગુજરાત સરકારના પરિપત્રનો ખાનગી સ્કૂલો ખુલ્લેઆમ ભંગ કરી રહી છે. ટ્યુશન અધિનિયમ એક્ટ 2002, આ એક્ટ હેઠળ શાળાના કેમ્પસમાં કે કેમ્પસની બહાર શાળાનો કોઈપણ કર્મચારી પૈસા લઈને કે વગર પૈસાએ કોઈપણ પ્રકારનું ટ્યુશન કરી શકે નહીં. છતાં સ્કૂલો કોન્સેપ્ટ સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ પ્રોગ્રામ ના બેનર હેઠળ ટ્યુશન ચલાવે છે. એફઆરસીના નિયમો ઉપરાંત વધારાની ફી લઈને મધ્યમ વર્ગના વાલીઓ પર આ સ્કૂલો આર્થિક બોજ ઊભો કરી રહી છે. ડમી અને, કન્સેપ્ટ સ્કૂલ ઈન્ટિગ્રેટેડ સ્કૂલમાં ચાલતા કન્સેપ્ટ ક્લાસિસ ના વિરોધમાં મહારેલી ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. માંગ કરવામાં આવી કે સરકારના પરિપત્રનો ઉલંઘન કરતી આવી શાળાઓ સામે તાત્કાલિક ધોરણે સખતમાં સખત પગલાં લેવામાં આવે. ટ્યુશન સંચાલકોએ જણાવ્યું કે કોન્સેપ્ટ અને ઇન્ટિગ્રેટેડ સ્કૂલોના કારણે તેમના વ્યવસાયને માઠી અસર થઈ રહી છે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.