Charchapatra

NEET-UG 2026 પરીક્ષા રદ થવી અને પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ

NEET 2026 ના પેપર લીકની ઘટનાએ માત્ર પરીક્ષાની વિશ્વસનીયતા પર જ નહીં, પરંતુ ભારતની સમગ્ર તબીબી શિક્ષણ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જ્યારે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય એક જ પરીક્ષા પર નિર્ભર હોય, ત્યારે આવી ચૂક સમગ્ર વ્યવસ્થાને ખોરવી નાખે છે. આ સમસ્યાના મૂળમાં કેન્દ્રીયકૃત વ્યવસ્થા છે, જ્યાં દેશના દરેક ખૂણે બેઠેલા વિદ્યાર્થીએ સમાન પેપર આપવું પડે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દરેક રાજ્યનું શૈક્ષણિક સ્તર અને બોર્ડની પદ્ધતિ અલગ હોય છે. આથી, શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ પર અવિશ્વાસ કરવાને બદલે, આપણે એવી વ્યવસ્થાની જરૂર છે જે બોર્ડના પરિણામોને સન્માન આપે.

આ આધુનિકીકરણ અને સરળીકરણની સૌથી મોટી જરૂરિયાત એ છે કે આપણે એન્જિનિયરિંગ મોડલને અનુસરીએ. જે રીતે IIT અને NIT જેવી સંસ્થાઓ માટે JEE લેવામાં આવે છે, તેવી જ રીતે માત્ર AIIMS અને ટોચની કેન્દ્રીય સરકારી મેડિકલ કોલેજો માટે જ NEET જેવી અઘરી પરીક્ષા મર્યાદિત રાખવી જોઈએ. રાજ્યની ખાનગી અને સ્વનિર્ભર (SFI) કોલેજો માટે રાજ્ય સરકારોને સ્વાયત્તતા આપવી જોઈએ કે તેઓ પોતાના બોર્ડના રિઝલ્ટના આધારે મેરિટ બનાવી શકે. આનાથી બે મોટા ફાયદા થશે: પ્રથમ, પેપર લીક જેવી ઘટનાઓ જો રાષ્ટ્રીય સ્તરે થાય તો પણ તે રાજ્યની બેઠકોને અસર નહીં કરે. જો આપણે ખરેખર ન્યાયી પ્રણાલી ઈચ્છતા હોઈએ, તો એન્જિનિયરિંગ સેક્ટરની જેમ જ મેડિકલમાં પણ વિકેન્દ્રીકરણ કરવું અનિવાર્ય છે. આમ કરવાથી શિક્ષણ બોર્ડની ગરિમા જળવાશે અને પેપર લીક જેવા માફિયાઓનું રાષ્ટ્રીય નેટવર્ક પણ તૂટશે.
સુરત     – નેહા સિંગાપુરી      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top