Vadodara

એક સીટ માટે જિંદગી દાવ પર! એસ.ટી. બસોમાં ભીડ વધતા છાત્રોની જોખમી સવારી

વડાપ્રધાનના આહવાન બાદ એસ.ટી.માં મુસાફરોનો ઘસારો વધ્યો, પરંતુ વ્યવસ્થાના અભાવે કીર્તિ સ્તંભ પાસે રોજ સર્જાતા મોતના દ્રશ્યો

વડોદરા: દેશના વડાપ્રધાન દ્વારા અવારનવાર દેશવાસીઓને ઇંધણ બચાવવા અને પર્યાવરણની જાળવણી માટે ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડી જાહેર પરિવહન સેવાઓનો આગ્રહ રાખવા અપીલ કરવામાં આવે છે. આ અપીલની હકારાત્મક અસર સામાન્ય જનતા અને ખાસ કરીને વિદ્યાર્થી આલમ પર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આમ જનતાએ પોતાના પ્રાઇવેટ વાહનો વાપરવાનું બંધ કરીને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસ.ટી. બસનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધાર્યો છે. પરંતુ આ જાગૃતિની સામે વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને અપૂરતી વ્યવસ્થાના કારણે મુસાફરો માટે ભારે હાલાકી ઊભી થઈ છે, જેનો એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે.
​વડોદરા શહેરના ઐતિહાસિક કીર્તિ સ્તંભ બસ સ્ટેન્ડ પાસેના દ્રશ્યો જોઈને કોઈપણ વ્યક્તિ કંપી ઉઠે તેમ છે. બસમાં મુસાફરી કરવા અને પોતાની સીટ અંકે કરવા માટે વિદ્યાર્થીઓ જે પ્રકારે જીવના જોખમે મથામણ કરી રહ્યા છે તે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કીર્તિ સ્તંભ બસ સ્ટેન્ડ પર જ્યારે એસ.ટી. બસ આવી પહોંચે છે, ત્યારે સીટ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને આમ જનતાની ભારે ભીડ ઉમટી પડે છે. બસ હજુ તો પુરેપુરી ઉભી પણ નથી હોતી ત્યાં ચાલતી બસમાં ચડવા માટે પડાપડી થાય છે. બસની અંદર જગ્યા ન હોવા છતાં વિદ્યાર્થીઓ દરવાજા પર જોખમી રીતે લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, બસની બારીઓમાંથી પોતાની બેગ, રૂમાલ કે અન્ય વસ્તુઓ અંદર ફેંકીને સીટ રોકવાના ખતરનાક દ્રશ્યો અહીં રોજિંદા બની ગયા છે. કેટલાક ઉત્સાહી અને મજબૂર યુવાનો તો બસની પાછળના ભાગે લટકીને પણ સવારી કરતા નજરે પડ્યા છે.
​વિદ્યાર્થીઓ માટે પોતાના અભ્યાસના સ્થળે કે ઘરે સમયસર પહોંચવું અત્યંત જરૂરી હોય છે, જેના કારણે તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર આ પ્રકારે જોખમી સવારી કરવા મજબૂર બને છે. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે આ ગંભીર પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? એક તરફ જનતા ઇંધણ બચાવવા જાહેર પરિવહન તરફ વળી રહી છે, ત્યારે બીજી તરફ GSRTC અને સ્થાનિક વહીવટી તંત્ર મુસાફરોની વધતી સંખ્યા સામે પૂરતી બસો ફાળવવામાં નિષ્ફળ રહ્યું છે. વ્યવસ્થાની આ ભારે અછત જ અરાજકતાનું મુખ્ય કારણ છે. જો સમય રહેતા વડોદરાના કીર્તિ સ્તંભ જેવા વ્યસ્ત રૂટ પર બસોની સંખ્યા વધારવામાં નહીં આવે, તો દરવાજે લટકતા વિદ્યાર્થીઓ સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટવાની સંભાવના નકારી શકાય તેમ નથી. તંત્ર વહેલી તકે જાગે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી લોક માંગ ઉઠી છે.

Most Popular

To Top