ગુરુવારે વહેલી સવારે હરિઓમનગર સોસાયટીમાં બની ઘટના; ગટર લાઇનના કામ બાદ કોન્ટ્રાક્ટરે કરેલી દેખાવ પૂરતી કામગીરીથી રોડ બેસી જતાં જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ, સદનસીબે મોટી જાનહાનિ ટળી


વડોદરા મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી નબળી કામગીરીનો વધુ એક જીવતો જાગતો પુરાવો શહેરના સુભાનપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ચોમાસું નજીક છે ત્યારે તંત્ર દ્વારા રોડ-રસ્તા અને ગટર લાઇનના પેચવર્કની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું બહાર આવ્યું છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલી હરિઓમનગર સોસાયટીમાં ગુરુવારે વહેલી સવારે કોર્પોરેશનની લાલિયાવાડી અને નબળા કામનો ભોગ એક ટ્રક ચાલક બન્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સુભાનપુરાની હરિઓમનગર સોસાયટીમાં તાજેતરમાં જ તંત્ર દ્વારા ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગટર લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર દેખાવ પૂરતું પેચવર્ક કરીને કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું. આ પેચવર્ક એટલું હલકી ગુણવત્તાનું હતું કે તે એક સામાન્ય વજન પણ સહન કરી શક્યું નહીં. ગુરુવારે વહેલી સવારે જ્યારે એક રેતી ભરેલી ભારેભરખમ ટ્રક આ સોસાયટીના રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ હલકી ગુણવત્તાના કારણે આખો રોડ બેસી ગયો હતો અને રેતી ભરેલી ટ્રકના પાછળના ટાયરો જમીનમાં ગરકાવ થઈ ગયા હતા.
રોડ બેસી જતાં અને ટ્રક ફસાઈ જતાં વહેલી સવારે સોસાયટીના રહીશો પણ દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા પ્રશાસન અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને તેના કોન્ટ્રાક્ટરો માત્ર પ્રજાની આંખમાં ધૂળ નાખવા માટે દેખાવ પૂરતી જ કામગીરી કરે છે. કરોડો રૂપિયાના ખર્ચે થતા કામોમાં તદ્દન નબળી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવે છે, જેના કારણે ચોમાસા પહેલા જ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને બેસી રહ્યા છે. જો વહેલી સવારે કોઈ રાહદારી કે વાહનચાલક ત્યાંથી પસાર થતો હોત અને આવી ઘટના બની હોત તો તેનો જવાબદાર કોણ? સ્થાનિકોએ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. આ ઘટનાએ વડોદરા કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની જાણે પોલ ખોલી નાખી છે.