National

‘વન નેશન, વન ઈલેક્શન’થી દેશના 7 લાખ કરોડ બચશે: 18 હજાર પાનાના રિપોર્ટમાં JPC એ આપ્યા ચૂંટણી સુધારાના સૂચનો

કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ‘વન નેશન, વન ઈલેક્શન’ પ્રસ્તાવને લઈને દેશભરમાં ફરી ચર્ચા તેજ બની છે. ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) એ દાવો કર્યો છે કે જો દેશમાં લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો દેશના અંદાજે 7 લાખ કરોડ રૂપિયા બચાવી શકાય છે. કમિટીના જણાવ્યા અનુસાર, આ બચત થતી રકમનો ઉપયોગ દેશના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ગરીબ કલ્યાણ માટે થઈ શકે છે. JPCના ચેરમેને જણાવ્યું હતું કે હાલ દેશમાં લગભગ દર થોડા મહિનામાં કોઈને કોઈ રાજ્યમાં ચૂંટણી યોજાતી રહે છે. લોકસભા, વિધાનસભા, પાલિકા, મહાનગરપાલિકા અને પંચાયત જેવી ચૂંટણીઓના કારણે સતત ચૂંટણી આચારસંહિતા લાગુ થાય છે. જેના કારણે વિકાસના કામોમાં વિલંબ થાય છે અને સરકારી મશીનરીનો મોટો સમય ચૂંટણી કામગીરીમાં વપરાઈ જાય છે. કમિટીના મતે, જો એકસાથે ચૂંટણીઓ યોજાશે તો સરકારો પાંચ વર્ષ સુધી સતત વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા, સરકારી કર્મચારીઓ, ચૂંટણી મશીનરી અને લોજિસ્ટિક્સ પાછળ થતો ભારે ખર્ચ પણ ઘટશે. JPC એ દાવો કર્યો છે કે આ સમગ્ર પ્રક્રિયાના કારણે ભારતના GDP માં પણ અંદાજે 1.6 ટકા જેટલો વધારો થઈ શકે છે.

ગુજરાત પ્રવાસ દરમિયાન JPC એ રાજ્યના ચીફ સેક્રેટરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ‘વન નેશન, વન ઈલેક્શન’ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. કમિટીના ચેરમેને કહ્યું કે રાજ્ય તરફથી ઘણા એવા મુદ્દાઓ સામે આવ્યા છે, જેને અગાઉ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા. કમિટીએ તૈયાર કરેલો લગભગ 18 હજાર પાનાનો વિશાળ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટને સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાયા બાદ આગામી 100 દિવસની અંદર પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ પણ પૂર્ણ કરવામાં આવે. JPC નું માનવું છે કે વારંવાર ચૂંટણી યોજાવાના કારણે રાજકીય પક્ષો સતત પ્રચારમાં વ્યસ્ત રહે છે, જેના કારણે નીતિગત નિર્ણયો અને વિકાસ પ્રક્રિયા પર અસર પડે છે. એકસાથે ચૂંટણી યોજવાથી દેશમાં રાજકીય અને વહીવટી સ્થિરતા વધશે.

જોકે, આ પ્રસ્તાવને લઈને રાજકીય મતભેદ પણ જોવા મળી રહ્યા છે. ભાજપ લાંબા સમયથી ‘વન નેશન, વન ઈલેક્શન’ના સમર્થનમાં છે અને તેને વિકાસ માટે જરૂરી સુધારો ગણાવે છે. બીજી તરફ કેટલાક વિરોધ પક્ષોનું માનવું છે કે આ પ્રસ્તાવ દેશના સંઘીય માળખા અને રાજ્યોના અધિકારોને અસર કરી શકે છે. JPC અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોની મુલાકાત લઈ ચૂકી છે. હવે ગુજરાતમાંથી મળેલા સૂચનો અને વિભાગોના ઈનપુટ પણ અંતિમ રિપોર્ટમાં સામેલ કરવામાં આવશે. આ પ્રસ્તાવ આગામી સમયમાં દેશની રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે. જોકે, તેને લાગુ કરવા માટે બંધારણીય સુધારા અને વ્યાપક રાજકીય સહમતિ જરૂરી બનશે.

Most Popular

To Top