આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. સતત ખરાબ પરિણામો બાદ હવે સોશિયલ મીડિયા પર માત્ર કેપ્ટનશીપ બદલવાની જ નહીં, પરંતુ હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર કરવાનો મુદ્દો પણ ઉઠી રહ્યો છે. આ વચ્ચે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને એક ચોંકાવનારો ‘સ્વેપ ડીલ’ આઈડિયા આપ્યો છે, જેને લઈને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા 2024માં ગુજરાત ટાઇટન્સ છોડીને ફરી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. તે સમયે ફેન્સને આશા હતી કે હાર્દિકના નેતૃત્વમાં મુંબઈ ફરી જૂની સફળતા હાંસલ કરશે. પરંતુ છેલ્લા ત્રણ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ માત્ર એક વખત પ્લેઓફ સુધી પહોંચી શકી છે, જ્યારે બે વખત પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી છે.
ચાલુ IPL 2026માં પણ મુંબઈનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ટીમમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને હાર્દિક જેવા મોટા સ્ટાર હોવા છતાં ટીમ યોગ્ય સંતુલન બનાવી શકી નથી. જેના કારણે હવે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટનશીપ બંને પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન માઇકલ વૉને એક ક્રિકેટ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને રિલીઝ કરી દેવા જોઈએ. જોકે ત્યારબાદ તેમણે વધુ રસપ્રદ સૂચન આપ્યું. વૉનના મતે, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે હાર્દિક પંડ્યા અને કેમરુન ગ્રીનની ટ્રેડ ડીલ થઈ શકે છે. વૉને કહ્યું કે KKR ના મોંઘા ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને મુંબઈ પાછો લાવી શકાય અને તેના બદલામાં હાર્દિક પંડ્યાને KKR મોકલી શકાય. તેમના મતે આ સોદાથી બંને ટીમોને ફાયદો થશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે હાર્દિક પંડ્યા અને કેમરુન ગ્રીન બંને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે અને બંનેની રમતની શૈલી પણ ઘણી હદ સુધી સમાન છે. જો આ ટ્રેડ થાય તો KKR ને સૌથી મોટો ફાયદો એ થશે કે ટીમને એક ભારતીય અને અનુભવી કેપ્ટન મળી જશે. છેલ્લા કેટલાક સમયથી KKR ને મજબૂત ભારતીય લીડરશિપની જરૂરિયાત અનુભવાઈ રહી છે. હાર્દિક પાસે IPL જીતાડવાનો અનુભવ પણ છે, જે KKR માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સને કેમરુન ગ્રીનના રૂપમાં યુવા અને આક્રમક ઓલરાઉન્ડર મળશે. ગ્રીન અગાઉ પણ મુંબઈ માટે રમી ચૂક્યો છે અને તેણે ટીમ માટે સારી કામગીરી કરી હતી. તે બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલન આપી શકે છે. માઇકલ વૉને વધુમાં કહ્યું કે હાર્દિકે ગુજરાત ટાઇટન્સ છોડવાનો નિર્ણય તેમને આજે પણ સમજાતો નથી. ગુજરાતની ટીમે હાર્દિકની કેપ્ટનશીપમાં સતત બે વખત IPL ફાઇનલ રમી હતી અને એક વખત ટાઇટલ પણ જીત્યું હતું. આવી સફળ ટીમ છોડીને મુંબઈમાં આવવાનો નિર્ણય યોગ્ય રહ્યો નથી એવું વૉનનું માનવું છે. વૉને મજાકીય અંદાજમાં કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના ‘કિચનમાં ઘણા બધા શેફ’ થઈ ગયા છે. એટલે કે ટીમમાં ઘણા મોટા સ્ટાર અને લીડર્સ છે, જેના કારણે સ્પષ્ટ દિશા દેખાતી નથી. તેમના મતે જો હાર્દિકને લાંબા સમય સુધી કેપ્ટન તરીકે જ રહેવું હોય તો તેણે એવી ટીમમાં જવું જોઈએ જેને મજબૂત કેપ્ટનની જરૂર હોય. હાલ માટે આ માત્ર ક્રિકેટ નિષ્ણાતો વચ્ચેની ચર્ચા છે અને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ IPLમાં મોટા ખેલાડીઓની ટ્રેડ ડીલ્સ હવે સામાન્ય બની ગઈ હોવાથી ભવિષ્યમાં આવો કોઈ મોટો નિર્ણય થાય તો નવાઈ નહીં લાગે.