કેનેડામાં વધતી ગેંગસ્ટર પ્રવૃત્તિ અને સંગઠિત ગુનાખોરી વચ્ચે હવે ક્રિકેટ જગત પણ તેની ઝપેટમાં આવતું દેખાઈ રહ્યું છે. ક્રિકેટ કેનેડાના નવા ચૂંટાયેલા અધ્યક્ષ અરવિંદર ખોસાના નિવાસસ્થાન પર બુધવારે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલાએ સમગ્ર કેનેડિયન ક્રિકેટ જગતમાં ચકચાર મચાવી દીધી છે. અહેવાલો અનુસાર, આ ઘટના બ્રિટિશ કોલંબિયાના સરે શહેરના ન્યૂટન વિસ્તારમાં સવારે અંદાજે 4:40 વાગ્યે બની હતી. હુમલાખોરોએ અરવિંદર ખોસાના ઘરને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. ઘટનાસ્થળ પરથી ઘરના મુખ્ય દરવાજા, બારીઓ અને બહારની દીવાલ પર ગોળીઓના 5 નિશાન મળી આવ્યા છે. ગોળીઓ બારી અને દરવાજા ચીરીને ઘરના અંદર સુધી પહોંચી ગઈ હતી. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને અરવિંદર ખોસા સહિત પરિવારના તમામ સભ્યો સુરક્ષિત છે. જોકે વહેલી સવારે થયેલા આ હુમલાના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હુમલો કોઈ ખંડણી વસૂલતી ગેંગ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ગેંગસ્ટર ગતિવિધિઓ અને ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને પંજાબી અને દક્ષિણ એશિયાઈ સમુદાય સાથે જોડાયેલા વેપારીઓ અને પ્રભાવશાળી લોકો પર ધમકી અને હુમલાની ઘટનાઓ વધી રહી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ ક્રિકેટ કેનેડામાં ભ્રષ્ટાચાર, સંગઠિત ગુનાખોરી અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપોની તપાસ શરૂ થઈ હતી. અરવિંદર ખોસા અગાઉ ક્રિકેટ બ્રિટિશ કોલંબિયાના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેઓ પણ આ તપાસના દાયરામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક ખેલાડીઓએ ખોસા પર કુખ્યાત બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ જ ગેંગ પર 2025માં કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના એક ખેલાડીને ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો. જોકે અરવિંદર ખોસાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
ખોસાએ આ હુમલા પાછળ કોઈ ઊંડી સાજિશ હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે તેમને બદનામ કરવા અને દબાણ બનાવવા માટે આ પ્રકારની હરકતો થઈ રહી છે. હાલ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી રહી છે અને હુમલાખોરોની ઓળખ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.